શહેરમાં રોડ તૂટવાનું કૌભાંડ ચાલ્યું. આજે પણ શહેરના મોટાભાગના રોડ તૂટેલા છે. થિંગડા મારી રોડ મોટરેબલ કરાય છે. રોડ તૂટ્યા પણ એક પણ અધિકારીને સજા થઈ નથી. સાબરમતી નદી સાફ કરવાની વાતો કરાય છે. પરતું ખુદ કોર્પોરેશન નદીમાં કેમિકલના પાણી ઠાલવવાનો પરવાનો આપે છે. કરોડો રૂપિયાનો ખર્ચ ડોર ટુ ડોર કચરો ઉપાડવા પાછળ થાય છે. પણ કચરો નિયમિતપણે ઉપડતો નથી. BRTSની બસો બેફામ દોડી નિર્દોષ લોકોના જીવ લઈ રહી છે. છેલ્લા 10 મહિનામાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા છે. હાઇકોર્ટ ઉધડો લે તો દબાણ યાદ આવે છે. 2014માં આવેલો સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરાતો નથી. શહેરમાં ટ્રાફિક જામ વધી રહ્યો છે. વાયુ પ્રદુષણ વધી રહ્યું છે.
ભાજપના શાસકો પાસે કોઈ નીતિ નથી. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને કૌભાંડ થઈ રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં 8 કર્મચારી અને અધિકારી રંગેહાથ લાંચ લેતા પકડાયા છે. છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યુના 2000 દર્દી દાખલ થયા છે. રોગચાળો અમદાવાદમાં ઘર કરી ગયો છે. શહેરમાં ગટરો ઉભરાઈ રહી છે. પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. રોડ તૂટેલા છે. વગર વરસાદે ભુવા પડે છે. વિકાસના કામો થઈ રહ્યા નથી. વી.એસ.હોસ્પિટલ તાળું મારી દેવાયું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર દેખાતા નથી. આવા હજારો પ્રશ્નો ઉકેલવામાં ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર નિષ્ફળ નીવડ્યા છે. હવે જ્યારે પ્રજા એમને સબક શીખવાડશે એવું ભાન થતા નાટકો શરૂ કરાયા છે.
ભાજપના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. હવે પ્રજાના પ્રશ્નો ઉકેલાતાં નથી એટલે ભાજપના કોર્પોરેટરો કયા મોઢે મત માગવા જશે એ ચિંતા સતાવી રહી છે. આમ, બેઠકમાં નાટકો કરી પ્રજાને ગેરમાર્ગે દોરવવામાં આવી રહી છે. પણ પ્રજા માલિક છે. તે બધું જાણે છે.જો કમિશનર કામ નથી કરતા તો શું ભાજપે તેઓને તેમની ધન સંચય યોજના માટે સંઘરી રાખ્યા છે. જો કમિશનર કામ ન કરતા હોય તો ભાજપના કોર્પોરેટરો સામાન્ય સભામાં કમિશ્નનરને પરત મોકલવાની દરખાસ્ત મૂકે. તેવો મારો પડકાર છે. જો એટલી હિંમત ન થાય તો નાટક બંધ કરે? અમારું માનવું છે જે, ભાજપના હોદ્દેદારો અને કમિશ્નનર બંને પ્રાથમિક સુવિધાના કામો કરવામાં ફેલ ગયા છે. નૈતિકતા સ્વીકારી પ્રજાની માફી માંગી અને રાજીનામાં આપી દેવા જોઈએ.