અમદાવાદની શાહી જામા મસ્જિદના પેશ ઈમામ, મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું કે, મંગળવારથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. રવિવારે મગરીબની નમાઝ બાદ, માહે શાબાન 29 અપ્રિલે રમઝાન માસનો ચાંદ દેખાયો ન હતો, જેથી મંગળવારથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને સોમવારે ચાંદ જોયા બાદ નમાજ અદા કરવામાં આવી હતી
ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પ્રારંભે રોજા 15 કલાક જેટલા લાંબા રહેશે. વર્ષ-2015માં પણ પ્રથમ રોજા 15 કલાક અને 10 મિનિટ લાંબા હતા. વર્ષ-2016માં પણ પ્રથમ રોજા અંદાજિત 15 કલાક અને 20 મિનિટના રહ્યા હતા.
રમઝાન માસનું મહત્વ સમજાવતાં તેમણે જણાવ્યું કે, ઇસ્લામ ધર્મમાં રમજાન માસનું ખાસ મહત્ત્વ છે. જેમાં તરાવીહની ખાસ નમાજ અદા કરાશે. સાથે જ ઇફ્તારી, જરૂરિયાતમંદોને ભોજન તથા વસ્ત્રદાન મુસ્લિમ બિરાદરો કરશે. રમઝાન માસમાં જ શબે કદ્રની એક રાત એવી આવે છે કે, જેમાં ઇબાદત કરતાં એક હજાર મહિના સુધીની ઇબાદત કરી હોય તેવું ફળ મળે છે. તરાવીહની ખાસ નમાઝ દરરોજ રાત્રે ઇસાની નમાઝ પછી પઢવામાં આવે છે. જે અંતર્ગત આખા મહિના દરમિયાન ઓછામાં ઓછું એકવાર ‘કુર્રાન’નું પઠન થઈ જાય છે.