અમદાવાદ: અમદાવાદ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટને બ્યુટીફિકેશન કરવાની શરૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના સૌથી વીવીઆઈપી રોડ અને એન્ટ્રી પોઇન્ટ એવા ઇન્દિરાબ્રિજથી એરપોર્ટ સર્કલ સુધીના 1.7 કિલોમીટરના રોડને આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી મહિને ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે, ત્યારે દેશ-વિદેશના મહાનુભાવો ગુજરાતના મહેમાન બનવાના છે. જેથી આ રોડની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ઇન્દિરા બ્રિજથી લઈ એરપોર્ટ સર્કલ અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ચાલી રહેલી કામગીરી અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. દબાણો દૂર કરવા, ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ વગેરેની કામગીરી 24 કલાક ચાલી રહી છે.
શહેરનું બ્યૂટિફિકેશન: હવે 8 જાન્યુઆરી પછી આપ ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ તરફ અથવા એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફ જશો તો તમને એક નવો અને એક અલગ જ નજારો જોવા મળશે, કારણ કે આ આખા રોડની સુરત 8 જાન્યુઆરી સુધીમાં બદલાઈ જવાની છે. ઇન્દિરાબ્રિજથી લઈ એરપોર્ટ સર્કલ સુધીના બંને તરફની કામગીરી અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તલાવડી સર્કલ પાસેથી ઇન્દિરાબ્રિજ તરફ વચ્ચે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વચ્ચેના ભાગે રોડની ડિઝાઇન પ્રમાણે કામગીરી ચાલી રહી છે. સાઈડના ભાગે ફૂટપાથ અને સેન્ટ્રલવર્જ બનાવવામાં આવી રહી છે. ઇન્દિરા બ્રિજ થી એરપોર્ટ તરફના રોડ પર દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે અને રોડને પહોળો કરી દેવામાં આવ્યો છે.
આઈકોનિક રોડ બનાવવાની કામગીરી: ઇન્દિરા બ્રિજ નજીક આવેલા સરણીયાવાસના દબાણોને દૂર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા સરણીયા વાસના તમામ દબાણો અને ઇન્દિરા બ્રિજનું એસટી તેમજ AMTSનું બસ સ્ટેન્ડ પણ દૂર કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસમાં સરણીયાવાસના તમામ દબાણોને દૂર કરી અને ત્યાં રોડની ડિઝાઇન પ્રમાણેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે વચ્ચેના ડીવાઇડર પણ હટાવી દેવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આઇકોનિક રોડ બનાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
આઇકોનિક રોડ પર કેવી સુવિધાઓ હશે
- સીસીટીવી
- ડિજિટલ સાઈન બોર્ડ
- ફુડ કિઓસ્ક
- 7 બસ સ્ટેન્ડ
- ટોયલેટ
- મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ
- પેરેલલ પાર્કિંગ
- વેન્ડિંગ ઝોન
- પેડેસ્ટ્રીયન વોક વે
- નાગરિકોને બેસવા માટે પબ્લીક સીટિંગ
- સ્ટ્રીટ ફર્નિચર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેનસર દ્વારા જણાવેલી માહિતી મુજબ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ આગામી મહિનામાં યોજાનાર છે. ત્યારે એરપોર્ટથી લઈને ગાંધીનગર તરફ જવા માટે આ આઇકોનિક રોડને 5 જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની તમામ મશીનરી આઇકોનિક રોડ પ્રોજેક્ટ માટે ફાળવી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપવામાં આવી છે કે, દિવસ રાત કામગીરી ચાલુ રાખી તેમાં ઝડપી કામગીરી પૂર્ણ કરવામાં આવે. રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તમામ યુટીલીટીને શિફ્ટ કરવાની કામગીરી એક મહિના અગાઉ પૂર્ણ કરી દેવામાં આવી હતી.