અમદાવાદઃ કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર ભારતમાં તંત્ર સાબદું બન્યું છે. તેમજ આરોગ્ય મંત્રાલય દ્વારા અગમચેતી રૂપે કેટલાંક આવકારદાયક પગલાં પણ ભરવામાં આવ્યા છે. જે માટે ડોક્ટરોની તેમજ આરોગ્ય વિભાગની પાણી પહેલા પાળ બાંધવા જેવી તૈયારીઓ કરવામાં આવી છે. જીવલેણ કોરોના માટે સામે રક્ષણાર્થે સૌથી પાયાની જરૂરિયાત છેે તેવા વેન્ટિલેટરની ખૂબ જ તાતી જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ક્રિટીકલ કન્ડિશન દરમિયાન દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની હોસ્પિટલ) દ્વારા વર્તમાન વેન્ટિલેટરની ક્ષમતા વધારવા માટે માટે ફોર વે મલ્ટિપેક્સર સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે.
અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલા ફોર વે મલ્ટિપ્લેક્સરની મદદથી એક વેન્ટિલેટરમાંથી એક સાથે ચાર દર્દીઓના શ્વસન અંગો સુધી ઓક્સિજન પહોંચાડાય છે. આ જ રીતે, શ્વસન અંગો શ્વાસ બહાર છોડે છે. અને HMF ફિલ્ટરની સાથે ફિટ કરાયેલા મલ્ટિપ્લેક્સરના બીજા સેટમાં મર્જ થઈ જાય છે, ત્યારબાદ વેન્ટિલેટર મશીનમાં પરત જાય છે.
કિડની હોસ્પિટલના નિયામક ડો. વિનિત મિશ્રાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ટેકનીકથી કોરોનાના દર્દીઓના ધસારાને પહોંચી વળવા USAની કેટલીક હોસ્પિટલોમાં સફળતા પ્રાપ્ત થઇ છે. કોરોનામાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટીલેટર ઉપર મૂકવો પડે છે. અને કૃત્રિમ શ્વાસ દ્વારા દર્દીઓને શ્વાસોચ્છવાસની ક્રિયા કરાવવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં એક જ વેન્ટિલેન્ટર દ્વારા કોર વે મલ્ટિપેક્સર આવનાર ક્રિટિકલ સમયમાં દર્દીઓ માટે ઓછા સાધનોમાં પણ સંપૂર્ણ સુરક્ષિત સારવાર મળી રહે તે માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને દર્દીઓને વધારેની સંખ્યાને પહોંચી વળવા આ એક આવકારદાયક પગલું ગણી શકાય તેમ છે.