ગાંધીનગર: ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોની વાત કરવામાં આવે તો ગાંધીનગરથી કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતની તમામ આરટીઓમાં મળીને કુલ 1,15,000 થી વધુ વાહનોનું રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. જેમાં આશરે દ્વિ ચક્રીય વાહનોની સંખ્યા 1,06,341, થ્રિ વ્હીલર 4093, ફોર વ્હીલર 5646 અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો 2000 સહિત ગુજરાતની તમામ RTO ઓફિસમાં 1,18,000 થી વધુ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે.

પેટ્રોલ-ડીઝલ વાહનોની જેમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા: અમદાવાદના ઇલેક્ટ્રિક વાહનોના ડીલર સોહેબ પઠાણે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતે પેટ્રોલ ડીઝલના વાહનોનું RTO માં રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તેવી જ રીતે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જેમાં વાહનની મૂળ કિંમતના 6 ટકા ટેક્સ ભરવામાં આવશે. આ તમામ રજીસ્ટ્રેશન સરકારના કાયદા અનુસાર ડીલર દ્વારા જ કરવામાં આવે છે.
'ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં શરતો મુજબ સબસીડી આપવામાં આવે છે. શરત મુજબ કોઈ કંપની ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરે છે તો 3 વખત એટલે કે 3 ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવ્યા છે. વ્યક્તિ પોતાના પર્સનલ વપરાશ માટે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરે તો ફક્ત એક જ વખત સબસીડી આપવામાં આવે છે. આમ અગાઉ કોઈ વ્યક્તિએ સબસીડી મેળવી હોય તો પછી એ વ્યક્તિ ફરી ઇલેક્ટ્રિક વાહનોની સબસીડી માટે ગેરલાયક ઠરે છે.' -શોએબ પઠાણ, ઇલેક્ટ્રિક વાહનોના ડીલર
20 પૈસા પ્રતિ કિલોમીટર: શોહેબ પઠાણે વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહન પેટ્રોલ વાહનો કરતા સસ્તું નીવડે છે. ગણતરીના કલાકમાં બેટરી ફૂલ ચાર્જ થઈ જાય છે જ્યારે બેટરી ફૂલ ચાર્જ કરવા ફક્ત 2.5 યુનિટ વીજળીનો ઉપયોગ થાય છે એટલે 18 રૂપિયાના ખર્ચમાં ઇલેક્ટ્રિક 2 વ્હીલર ફૂલ ચાર્જ થઈ જાય છે અને ફૂલ ચાર્જ કર્યા બાદ વાહન 100 કિલોમીટર જેવું ચાલે છે. આમ 20 થી 25 પૈસાના ખર્ચે એક કિલોમીટરની એવરેજ આવે છે.
ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં 25 ટકા સબસીડી: ચાર્જિંગ સ્ટેશન માટે પણ રાજ્ય સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. આ બાબતે રાજ્યના ઉર્જાપ્રધાન કનુ દેસાઈએ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ નિવેદન આપ્યું હતું કે રાજ્યના કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ, પ્રવાસી સ્થળોએ કુલ 4 કેટેગરીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. જેમાં ચાર્જિંગ સ્ટેશનના સફળ કમિશનિંગ પર મંજુર મૂડીની 80 ટકા સબસીડી રિલીઝ કરવામાં આવશે. 2 વહીલર્સ, 3 વહીલર્સ અને 4 વહીલર્સ માટે પ્રથમ 250 કોમર્શિયલ પબ્લિક ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન માટે સાધનો/મશીનરી પર 25 ટકા પણ 10 લાખ સુધીની મર્યાદામાં મૂડી સબસીડી પાત્ર બનશે.
વ્હીકલ પોલિસી અંતર્ગત ટાર્ગેટ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021 માં જાહેર કરેલ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી અંતર્ગત 2024 સુધીમાં બે લાખ ઇલેક્ટ્રીક વાહનોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે વર્ષની અંદર હાલમાં ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રીક વાહનો રોડ પર દોડી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યો કરતા બમણી સબસીડી આપવામાં આવે છે જેથી ગુજરાત પર 870 કરોડ રૂપિયાનો ભોજ વહન પણ થશે તેવું નિવેદન ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપ્યું હતું.