અમદાવાદઃ શહેરમાં મોટાભાગના ડેન્ટલ ક્લિનિક અને હોસ્પિટલ 1લી જુનથી શરૂ થઈ ગયા છે. ત્યારે કેટલાક ડેન્ટલ ક્લિનિક દર્દીઓને હાલાકી ન પડે તેના માટે ખોલવામાં આવ્યા હતા. દર્દીઓને વધુ સમય રાહ ન જોવી પડે અને ભીડ ભેગી ન થાય તેન માટે ટાઈમ એપોઇનમેન્ટ થકી દર્દીઓને બોલાવવામાં આવે છે. દાંતની સારવાર દરમિયાન પીપીઈ કીટનો ઉપયોગ ડૉકટર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
શાહઆલમ ટોલનાકા ખાતે આવેલા અલીશા ડેન્ટલ ક્લિનિકના ડૉ. નઈમ મલિકે જણાવ્યું હતું કે, અમે કોરોના જેવી મહામારી દરમિયાન પણ દર્દીઓના દાંતની સારવાર માટે ક્લિનિક ચાલુ રાખ્યું હતું. દર્દીઓની સુરક્ષા માટે અમે પીપીઈ કીટનો ઉપયોગ કરીએ છીએ. દર્દીઓને ટાઈમ એપોઇનમેન્ટ આપવામાં આવે છે, જેથી ભીડ ભેગી ન થાય. હવે અનલૉક-1 જાહેર કરવામાં આવ્યું છે, તો વધુ દર્દીઓ સારવાર માટે ડેન્ટલ ક્લિનિક અને હોસ્પિટલની મુલાકાત લઈ શકશે.
ડૉ. નઈમ મલિકે જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન ઘણા દર્દીઓને દાંતના દવાખાના ચાલુ છે કે કેમ, એ અંગે પૂરતી જાણકારી ન હોવાથી દર્દીઓ દવા ખાઈને ચલાવતા હતા. જો કે, હવે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ હોવાથી દર્દીઓ સારવાર માટે આવશે. અમે પણ સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને લોકોની સારવાર કરીએ છીએ. ઘણી સારવાર જે લોકડાઉન દરમિયાન મટીરીયલ અને અન્ય વસ્તુઓના માર્કેટમાં અભાવને લીધે દર્દીઓની સારવાર શક્ય ન હતી. જે હવે થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, અનલૉક-1 શરૂ થતા ધીરે ધીરે લોકોમાં કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે, અને કોરોના વાઇરસ સામે શુ સાવચેતી રાખવી તેની જાગરૂકતા પણ વધી રહી છે. અગામી દિવસોમાં દર્દીઓ વધુ સારવાર કરાવવા આવે તેવી આશા ડૉક્ટરે વ્યક્ત કરી હતી.