મોરબી: જિલ્લા પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રેગ્યુલર બજેટમાં મંજૂર થયેલી MPHW & FHW મહેકમની મંજૂર અને ખાલી જગ્યાઓએ સીધી ભરતીથી કરવા માટે તેની જાહેરાત આપવાની માંગ સાથે મોરબી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
વર્ગ-3ની ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂબ જ અગત્યની ગણાતી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-3 અને ફીમેલ હેલ્થ વર્કર વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ અને ભરતીનું આયોજન સરકારના 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2013થી વર્ષે-બે વર્ષે થતું હતું.
પરંતુ છેલ્લે નવેમ્બર 2016માં સીધી ભરતી આવ્યા બાદ કોઈ ભરતી કરવામાં આવી નથી. જેથી વધતી ઉંમર અને બેરોજગારી દિવસ રાત સતાવે છે કેટલાક મિત્રોની ફોર્મ ભરવાની ઉમર વીતી ચૂકી છે.વર્ગ-3નું મહેકમ મંજૂર હોવા છતાં અને જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી સીધી ભરતી કરવામાં આવી નથી. છેલ્લા સાત-આઠ વર્ષથી સરકાર દ્વારા કોન્ટ્રાકટ બેઝ અને આઉટસોર્સિંગથી જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. જેમાં શોષણ, અપૂરતો પગાર, લાચારી સિવાય બીજું કશું જ નથી. અને આ અમારા જેવા બેરોજગાર તેમજ સીધી ભરતીની તૈયારી કરનાર ઉમેદવારોને અન્યાય સમાન છે તેવી માંગ કરી સીધી ભરતી કરવા રજૂઆત કરવામાં આવી હતી.