અમદાવાદ: મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટોના પગલે કોર્ટ દ્વારા રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજની સ્થિતિ અંગે માહિતી માંગવામાં આવી હતી. ઉપરાંત મૃતકોના પરિજનોને વળતર ચુકવવા મામલે રજૂઆતો થઈ હતી.
વળતરને લઈને અસંતોષ: મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી હાથ ધરાઈ હતી. મૃતકોના પરિજનો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોએ વળતરને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વળતરને લઈને સુપ્રીમ કોર્ટના વિવિધ ઉદાહરણો પણ ટાંક્યા હતા. તેમજ આનો ન્યાયિક ઉકેલ જલ્દી આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિજનોને સહાય આપવા માટે જયસુખ પટેલે વધુ તૈયારી દર્શાવી હતી. જયસુખ પટેલ દ્વારા ઇજાગ્રસ્તોને વધારાના સાડા ત્રણ લાખનું વળતર ચૂકવવાની કોર્ટમાં તૈયારી દર્શાવી હતી.
ઓરેવા ગ્રુપના વળતર સામે અસંતોષ: જોકે તેમની આ તૈયારીની સાથે જ હાઇકોર્ટ પ્રશ્ન કર્યા હતા કે શું તમારી દ્રષ્ટિએ આ વળતર પૂરતું અને વ્યાજબી છે? હાઇકોર્ટે કોર્ટમિત્ર શિખા પંચાલને જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઈએ. હાઇકોર્ટનું આ સમગ્ર મામલે અવલોકન રહ્યું હતું કે અસરગ્રસ્તોને રાજ્ય સરકાર તરફથી જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે પણ વચગાળાનું વળતર કહી શકાય. તો બીજી બાજુ ઓરેવા ગ્રુપ કંપની તરફથી જે વળતર આપવાની તૈયારીઓ દર્શાવી છે એ ઘણી ઓછી છે એવું કોર્ટે માન્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ વચગાળાના વળતર માટે ગાઈડલાઈન આપેલી છે.
હાઇકોર્ટમાં કાલે આપી શકે છે આદેશ: આ સમગ્ર મામલે કોટે ટાંક્યું હતું કે સુપ્રીમ કોર્ટની વચગાળાના વળતરને ગાઇડલાઇન પ્રમાણે આવી કોઈ દુર્ઘટના બને છે ત્યારે રાજ્ય સરકારની 45% જવાબદારી હોય જયારે દુર્ઘટનાના જવાબદાર લોકોની 55 ટકા જવાબદારી હોય છે. આવું સુપ્રીમ કોર્ટનું અવલોકન છે. આ અવલોકન પ્રમાણે વચગાળાના વળતર પ્રમાણે જો સરકાર દસ લાખ રૂપિયા વળતર ચૂકવે છે તો ઓરેવા ગ્રુપે અંદાજિત સાડા બાર લાખ રૂપિયા વળતર ચૂકવવાનું આવે. આ મામલે વધુ સુનવણી આવતીકાલે હાથ ધરાશે ત્યારે મહત્વનું છે કે વળતરને લઈને કોર્ટ આવતીકાલે પોતાનો આદેશ કરી શકે છે જે ઘણો જ મહત્વનો બની રહેશે.
બ્રિજને લઈને નીતિ: આજે એડવોકેટ જનરલ દ્વારા રાજ્યમાં આવેલા વિવિધ બ્રીજોને લઈને જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બ્રિજને લઈને જે નીતિ બનાવવામાં આવી રહી છે તે નીતિમાં બ્રિજ પર મોટા વાહનો જશે કે કેમ તે બાબતોને પણ ધ્યાનમાં રાખીને નીતિ બનાવવામાં આવી રહી છે. માર્ચ મહિનાના એક સપ્તાહની અંદર નીતિ વિશે તમામ વિગતો કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.
તમામ બ્રિજનું હાલ સમારકામ ચાલુ: એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના તમામ બ્રિજનું હાલ સમારકામ ચાલુ છે. એક પણ બ્રિજ જર્જરીત ના રહે તે માટે સરકાર દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આવેલા 1441 જેટલા બીજોની સંભાળ આર.એન.બી શાખા દ્વારા લેવામાં આવી રહી છે. જ્યારે 461 જેટલા બ્રિજ અર્બન ડેવલોપમેન્ટ દ્વારા કાર્યરત છે. જેટલા પણ બ્રિજ આવેલા છે તે તમામ બ્રિજોને વ્યવસ્થિત રીતે સાર સંભાળ સાથે તપાસ પણ કરવામાં આવી રહી છે. આમ રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં રાજ્યમાં આવેલા બ્રિજ અને તેના સમારકામ અંગેની જરૂરી હોય તેવી તમામ વિગતો આપવામાં આવી હતી. આ સાથે જ મોરબી જેવી દુર્ઘટના બીજી વખત ના બને તે માટે સરકાર તકેદારીના પૂરતા પગલાં રહી છે તેવી બાંહેધરી પણ રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Porbandar Illegal Mining Case: ગેરકાયદેસર ખનન કેસમાં સરપંચ સહિત 16 ફરાર, 33 ની અટકાયત
બાંધકામમાં ખામી: એડવોકેટ જનરલની આ રજૂઆતની સાથે જ મહત્વનું છે કે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જાળવણી અને તકેદારી માટેનું ઉદાહરણ આપતા ચીફ જસ્ટીસે ગોંડલના રાજા ભગવતસિંહજીનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોંડલ સ્ટેટમાં જ્યારે પણ નવા રસ્તા બનાવવામાં આવતા હતા ત્યારે ત્યાંના રાજા ભગવતસિંહજી રથમાં સવાર થઈને હાથમાં પાણીનો લોટો લઈને નવા રોડ કે રસ્તાની ચકાસણી કરતા હતા. જેથી જો બાંધકામમાં ક્યાંય કમી રહી ગઈ હોય તો તે ખામીને તરત દૂર કરવામા આવતી. આ સાથે જ હાઇકોર્ટ દ્વારા આગામી સુનાવણી સુધીમાં સરકાર દ્વારા બ્રિજને લઈને જે નીતિ બનાવવામાં આવે તેની જલ્દીમાં જલ્દી માહિતી આપવા સૂચન કર્યું હતું.