મૂડકાફેના નેજા હેઠળ સાયકોલોજીસ્ટ પૂનમ માલપાની ચોરડીયા જણાવે છે કે, આપણે બધા જીવનમાં એવા પ્રશ્નોનો સામનો કરીએ છીએ જ્યાં આપણને સહાયની જરૂર પડી શકે છે. લોકો શું વિચારે એ માન્યતાને કારણે સામાન્ય રીતે વ્યક્તિ પોતાના પ્રશ્નો કે સમસ્યા પોતાના સુધી જ સીમિત રાખે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શેરિંગ અને લિસનીંગના મહત્વને સમજાવવા માટે ટાઈમ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.
આધુનિક તકનીક દ્વારા માનસિક આરોગ્ય સંભાળ અને સુખાકારી માટે IIM અમદાવાદ અને IIT રૂડકીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મૂડકાફેની શરૂઆત કરવામાં આવી હતી. તેનો હેતુ મનોવિજ્ઞાન, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને નવીન વ્યૂહરચનાઓ વગેરેના સંશોધન આધારિત વલણોનો ઉપયોગ કરીને લોક જાગૃતતા વધારવા અને લોકોની સમસ્યાના ઉકેલો પ્રદાન કરવાનો છે. આ માટે એક અનામી ચેટ એપ્લિકેશન અને કાઉન્સેલિંગ પ્લેટફોર્મ પણ રજુ કરવામાં આવેલું છે.
મૂડકાફેના સ્થાપક અને CEO મિકુલ પટેલે તેમના જીવનમાં માનસિક પડકારોનો સામનો કર્યો છે. તે દરમિયાન તેમના નજીકના મિત્રએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આથી તેમણે યુવાનોને મદદ કરવા અને તેમના જીવનમાં પડકારરૂપ સમયનો સામનો કરવા માટેનો રસ્તો શોધીને મદદ કરવા માટેનું પોતાની જાતને વચન આપ્યું હતું. તેમની ટીમે મળી પ્લેટફોર્મ બનાવ્યું, એપ્લિકેશન બનાવી અને આજે ટાઈમ ડોનેશન કેમ્પનું આયોજન પણ કર્યું હતું.