અમદાવાદ : રાજ્યમાં ગત 25 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું. જે બાદથી ગુજરાતમાં સારો વરસાદી માહોલ જામ્યો હતો. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સતત વરસાદ વરસતા અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ કેટલા કોઝવે પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
વરસાદી માહોલ બરાબર જામ્યા બાદ હાલ થોડો વિરામ મળ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી જારી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આવનારી 6 અને 7 તારીખ પછી ફરી સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. તો બીજી તરફ 7 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. - ડો મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
વરસાદી સિસ્ટમ સક્રિય : આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેનું મુખ્ય કારણ હાલ પશ્ચિમ બંગાળમાં બની રહેલા સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવનાઓ છે. હાલ ચોમાસામાં વરસાદી માહોલને લીધે તાપમાનમાં કોઈ વધારો જોવા નહીં મળે અને હાલ આગામી 2 દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદ ક્રમશ ધીમે પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.