અમદાવાદ: હવામાન અંગે કરાયેલા પૂર્વાનુમાન પ્રમાણે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. રાજ્યમાં અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ અંગે જણાવ્યું હતું કે, અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી રાજ્યના તટીય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. જોકે આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો પણ થઇ શકે છે.
ગુજરાતમાં ઠંડી: ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. આજે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી નોંધાયું હતું..જ્યારે અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
બેવડી ઋતુનો અનુભવ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનુ વાતાવરણ છે. શિયાળાની ઋતુ જામી છે અને વાતાવરણમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. બેવડી ઋતુને કારણે ઠંડી પણ ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે, ત્યારે હવે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવતા ફરી એક વાર રાજ્યમાં વરસાદ પડી શકે છે. જોકે રાજ્યમાં હાલ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે જ્યારે 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ફરીથી ઠંડીનું જોર વધશે.
વાતાવરણમાં પલટો: ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વાતાવરણમાં સતત પલટો થતાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જોકે આ વખતે શિયાળો શરૂ થતાં જ કમોસમી વરસાદે ગુજરાતમાં બેવડી ઋતુ બાદ ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું. ત્યારે હવે હવામાન વિભાગે ફરી વાર આવનારા દિવસોમાં માવઠાની કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં માવઠું જોવા મળી શકે છે.