અમદાવાદ: આજથી ડિગ્રી ઇજનેરીના પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામાં આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 27415 જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કે મેરીટ ફાળવણી કરવામાં આવી છે. તેમજ તેમાંથી 26153 જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલીંગ કરેલી છે. આ વિદ્યાર્થીઓમાંથી તેઓના મેરીટ અને ભરેલ ચોઇસના આધારે 24016 વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડમાં ફાળવણી કરવામાં આવી છે.
પ્રવેશ વર્ષ 2020-21 માં આશરે 50928 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમિતિ દ્વારા થયેલી ફાળવણીમાં સરકારી તથા અનુદાનિત કુલ સંસ્થાની 11191માંથી 8976 બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓની કુલ 39737 બેઠકોમાંથી 15040 બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી અને અનુદાનિત સંસ્થાઓની ઓલ ઇન્ડિયા બેઠકોની અને ગુજકેટ આધારિત બેઠકો પર વિદ્યાર્થીના અલગ મેરીટ હોવા છતાં એની ચોઈસ મુજબ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી બેઠકની ફાળવણી કરવામાં આવી છે. કોમ્યુટરની કુલ 11883 બેઠકોમાંથી 8020 જેટલી સીટો ભરાયેલ તેમજ ઇન્ફોમેશન ટેક્નોલોજીમાં 5323 બેઠકોમાંથી 4041 બેઠકો ભરાયેલી છે. જ્યારે મિકેનિક્લમાં 9647 માંથી 2715, સિવિલની 7860માંથી 2403 અને કેમિકલ ઇજનેરીની કુલ 2382 માંથી 1511, ઇલેક્ટ્રિક્લની 5432માંથી 1821 જ્યારે EC બ્રાંચમાં 3058 માંથી 1618 જેટલી બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
જ્યારે તા.7 થી 12 ઓક્ટોમ્બર સુધી વિદ્યાર્થી પોતાના લોગીનમાંથી ઇન્ફોમેશન લેટરને તપાસી અને પ્રવેશ નિર્ધારિત કરવા ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરી પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી શકશે. જો વિદ્યાર્થીને ઝીરો ફી ભરવાની થતી હોય એવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીનમાં જઈ " Admission ACCEPT " કરી અને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહશે. તેમજ તા. 15 થી 19 ઓક્ટોમ્બર દરમ્યાન રજીસ્ટ્રેશનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. તે દરમ્યાન પ્રથમ રજીસ્ટ્રેશનમાં બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ તથા પુરક પરીક્ષામાં પાસ થયેલ તથા ગુજકેટ -2020ની પરીક્ષા આપેલ હોય તેવા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે .
આ ઉપરાંત નવા રજીસ્ટ્રેશન કરાયેલ વિદ્યાર્થીઓનો રાઉન્ડ -2 માં સમાવેશ કરવામાં આવશે. ઉક્ત મેરીટમાં પુરક પરીક્ષાથી પાસ થયેલ વિદ્યાર્થીઓને મેરીટમાં નિયમ અનુસાર રાઉન્ડ -1 ના મેરીટ પછીના ક્રમે સમાવેશ કરવામાં આવશે.