આ વૃધ્ધનું નામ કાંતિભાઇ શીવરામદાસ પટેલ છે અને મૂળ તેઓ ખેડૂતપૂત્ર છે તેથી વૃક્ષ પ્રત્યેની તેમની સંવેદના સહેજે સમજી શકાય તેમ છે. તેઓ વૃક્ષોને એટલો પ્રેમ કરે છે કે, તેમણે પોતાના ખિસ્સાના રૂ.1.50 લાખ છેલ્લા 9 વર્ષમાં એકલા હાથે 2200 વૃક્ષ વાવવામાં વાપરી નાખ્યા છે. તેમનો વિશ્વાસ એટલો બુલંદ છે કે, તેઓ જ્યાં સુધી કામ કરી શકવા સક્ષમ છે ત્યાં સુધી વધુને વધુ વૃક્ષો વાવીને ઉછેરવાની ખેવના ધરાવે છે.
કાંતિભાઇ આવી ગરમીમાં પણ સાયકલ પર પાણીના કેરબા, ખોદકામ માટે ત્રિકમ-કોદાળી, દાંતરડું, સીમેન્ટની નાની થેલી સાથે વિવિધ સોસાયટીની બહાર ફુલછોડનું સંરક્ષણ કરતા રહે છે. કાંતિભાઇની આ પ્રવૃત્તિ માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ તેમનું સન્માન કરી ચૂક્યાં છે.
કાંતિભાઈએ ઈટીવી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 9 વર્ષ પહેલા હું એક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યો હતો. આ પુસ્તકમાં લખ્યું હતું કે, એકવાર એક વૃધ્ધ આંબાનો છોડ વાવી રહ્યાં હતા. તેમને જોઇને એક નવયુવાને વૃધ્ધને પૂછ્યું કે, તમે આ આંબાની કેરી ક્યારે ખાવાના છો તો તમે આંબાનો છોડ વાવો છો. તો વૃધ્ધે જવાબ આપ્યો કે, કોઇકે તો આંબો વાવ્યો હશે કે આપણે આજે કેરી ખાઇ રહ્યા છીએે. આજે હું આંબો વાવીશ તો આવનારી પેઢીને તેના ફળ ખાવા મળશે. આ વાર્તા વાંચીને મને થયું કે, જગતના નિર્માતાએ આટલી સરસ હરિયાળી પૃથ્વી બનાવી અને આપણે તેને કાપીને ધરતીના શણગારને ઓછો કરી રહ્યાં છીએ.
કોઇકે તો શરૂઆત કરવી પડશે તેવા વિચાર સાથે કાંતિભાઇએ આ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમજ પોતાનું શરીર ચાલે ત્યાં આ પ્રવૃતિ કરવા માંગે છે.
કાંતિભાઈના મિત્ર શકરાભાઈએ જણાવ્યું હતું કે, તેમના કામથી લોકો પ્રેરિત થાય છે અને અમે સૌ તેમને મદદ કરીએ છીએ. તેમના કામને યોગ્ય સરાહના મળી નથી. સરકાર દ્વારા તેમના કામને અને તેમને યોગ્ય સન્માન મળે તેવી તેમને માંગ કરી હતી.