- અમદાવાદ મેયરે કરી તૈયારીઓની સંપૂર્ણ સમીક્ષા
- અમદાવાદમાં સી પ્લેનના ઉદ્ધાટનને ગણતરીના કલાકો બાકી
- અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ લીધી મુલાકાત
અમદાવાદ : વડાપ્રધાન મોદી કેવડિયાથી અમદાવાદ સુધી સી પ્લેનનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા બિજલ પટેલે વોટર એરોડ્રામ અને સી-પ્લેનની મુલાકાત લીધી હતી. આ સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારના રોજ યોજાનારા કાર્યક્રમ અંગેની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી સાથે જ ભારતના પ્રથમ સી-પ્લેનનું ઉદ્ઘાટન વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવશે.
સી પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફની સમીક્ષા કરી
અમદાવાદના મેયરે સી પ્લેન અને વોટર એરોડ્રામની મૂલાકાત લીધી હતી. આ સાથે સી પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફની પણ સમીક્ષા કરી હતી.
સુરક્ષાલક્ષી અને અન્ય તમામ તૈયારીઓની મેયર સહિતના અધિકારીઓએ કરી સમીક્ષા
વડાપ્રધાન 31 ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાના છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બિજલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કાર્યક્રમની તૈયારીઓને આખરીઓપ અપાયો
સી પ્લેનની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવારે વડાપ્રધાનની મુલાકાતને લઈ કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા કામગીરીને આખરીઓપ આપવાની કામગીરી થઈ રહી છે. આ સાથે જ કોર્પોરેશનના સત્તાપક્ષના નેતાઓ અને વહીવટી પાંખ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.