અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઇરસ આફત બનીને કાળો કેર વરસાવી રહ્યો છે. અમદાવાદની સ્થિતિ કાબૂ બહાર છે. કારણ કે, રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે. તાજેતરના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 31 મે સુધીમાં 12,180 કેસ હતા. જ્યારે કુલ મૃત્યઆંક 842 છે. અમદાવાદએ કોરોનાનો હોટસ્પોટ એરિયા બની ગયું છે. રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ ટૂંકા સમયમાં 1200 બેડની કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ ઉભી કરી હતી અને રાજ્ય સરકારે ઢોલ વગાડીને વાહવાહી લીધી હતી. પણ આ સિવિલ હોસ્પિટલના 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારના નામે અનેક ફરિયાદો બહાર આવી છે. અનેક વાયરલ વીડિયો સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓને મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. મીડિયામાં વારંવાર સિવિલ હોસ્પિટલની બેદરકારીના અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી અને બધુ સરખું કરવા દોડી છે.
ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ થઈ હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા, કે દર્દીને મરવા માટે છોડી ન દેવા જોઈએ. આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવ સિવિલ હોસ્પિટલની કેટલી વાર મુલાકાતે ગયા? તેવો પ્રશ્ન પુછ્યો. સિવિલ હોસ્પિટલની બેદરકારીના મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઉઘડો લીધો હતો. તે પછી રાજ્ય સરકારની ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી અને બધુ સરખુ કર્યું, તેમ છતા હજૂ પણ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના દાખલા રોજ બહાર આવી રહ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહી છે. સિવિલ હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓની હાલત દયનીય છે. દર્દીઓના પરિવારને ઘણીવાર જાણ પણ નથી હોતી કે, દર્દી કઇ પરિસ્થિતિમાં છે. દર્દીના મૃત્યુના કેટલાંક કિસ્સાઓમાં પરિવારને ખૂબ મોડી જાણકારી અપાઇ હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. આ ઉપરાંત સિનિયર અને જુનિયર ડૉક્ટરો વચ્ચે તાલમેલનો અભાવ છે, તેવું જાણવા મળ્યું છે. ઘણાં સિનિયર ડૉક્ટરો દર્દીને તપાસવા જતાં નથી, તેવા આક્ષેપો થયા છે. અને જુનિયર ડૉકટરને મોકલી દે છે. તેવી ઘટનાઓ સામે આવી છે.
કોરોના કપરા સમયમાં જ્યારે ડૉક્ટરો લોકો ભગવાન ગણે છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સૌથી વધુ મોત થયા છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી, વેન્ટિલેટર વિવાદ થયો, કોઈ જુનિયર ડૉકટર દ્વારા મહિલા દર્દીને વેન્ટિલેટર પર લીધા ત્યારે તે મહિલા લોહીલુહાણ હાલતમાં હતા, અને વેન્ટિલેટર પર લીધા ત્યારે પરિવારને જાણ પણ ન કરી, જુનિયર ડૉકટરને વેન્ટિલેટર લગાવતા પણ આવડતું ન હતું. અને તે લોહીલુહાણ મહિલા દર્દીનું મોત થયું હતું. આવી તો અનેક બેદરકારીથી લોકો હવે સિવિલ હોસ્પિટલમાં જતા ગભરાય છે.
કોરોના વાઈરસના દર્દીઓને સેવાઓ ન મળતી હોવાના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં દર્દીઓએ ખુદ વીડિયો બનાવીને યોગ્ય સુવિધા અને સારવાર ન મળતી હોવાની ફરિયાદો કરી હતી. તેમજ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સાથે સંબંધીઓને સાથે રાખવામાં આવે છે, તેવા વીડિયો પણ વાયરલ થયા છે.
રાજ્યમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા પૂરતું ધ્યાન ન અપાવાને કારણે જ જીવિત વ્યક્તિને મૃત જાહેર કરાય છે, હોસ્પિટલમાંથી ગુમ થવાની તેમજ રિપોર્ટ માટે આવતી વ્યક્તિને રજા આપી દીધા પછીથી મોત થયા અગ્નિ સંસ્કાર બાદ કહેવાય કે, તમને પોઝિટિવ છે. ખરેખર આરોગ્ય વિભાગમાં કોઈનું ન સાંભળવાની અને પોતે જ સર્વેસર્વા હોય તેવું ચિત્ર સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે.
એક અન્ય ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારજનોએ અગ્નિસંસ્કાર કર્યાના બે દિવસ બાદ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવે છે કે, તમારા પિતાને કોરોના પોઝિટિવ છે. જે માટે તેમની સારવાર માટે અમે લેવા આવીએ છીએ. આવા ફોન આવ્યા પછી સામાન્ય માણસ પણ સમજી શકે કે, આરોગ્ય વિભાગ અને સરકારી હોસ્પિટલમાં કેટલી લાલિયાવાડી ચાલે છે. આ પહેલા એક 70 વર્ષના વૃદ્ધા હોસ્પિટલમાંથી ગુમ થયાના સમાચાર હતા. તંત્ર દોડતું થયું અને વૃદ્ધાને શોધવા પ્રયાસો કરાયા બાદ ખબર પડી કે, તે બીજા વિભાગમાં ગયા હતા અને ત્યાં તેમનું મોત થયા પછીથી તેમનો મૃતદેહ મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી હતી.
40 વર્ષીય યુવક સાવરણી વહેંચી પેટીયું રળતો હતો. દાખલ કર્યાના બીજા દિવસે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા બીજા દિવસે તેને મૃત જાહેર કરાયો હતો, પરંતુ એ યુવક કેન્સર વિભાગમાં સારવાર લઈ રહ્યો હતો. આમ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન ન અપાવાને કારણે આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે.
તાજેતરમાં સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીની વાત કરીએ તો મૃતકને અગ્નિસંસ્કાર આપ્યાના 15 દિવસ બાદ મેસેજ મારફતે જણાવાય છે કે તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કર્યા છે, આવી વાત જાણીને પરિવાર પણ ચિંતામાં આવી જાય છે. આ કોઈ વાર્તા નથી, પરંતુ હાલમાં કોરોના કહેર વચ્ચે બનેલી વાસ્તવિક ઘટનાઓ છે. કોરોના કહેર વચ્ચે તંત્રની અને ખાસ કરીને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. એક પોઝિટિવ વ્યક્તિને મૃતક બતાવવાનો અને મૃતક વ્યક્તિના અગ્નિસંસ્કાર બાદ પોઝિટિવ કેસ આવ્યાની ઘોર બેદરકારી બહાર આવી છે.
થોડા દિવસ પહેલા જ AIIMSના ડિરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને તેમના સાથી કર્મચારીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તે સમયે આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે AIIMSના ડિરેક્ટરને બ્રીફ કર્યું તે બોલી ગયા. જે કારણે રાજ્ય સરકાર ખુશ ખુશ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, સિવિલ હોસ્પિટલની બેદરકારીઓનું લિસ્ટ દિવસેને દિવસે લાંબુ થતુ જાય છે, અને સામે કોરોનાના કેસો પણ એટલા જ વધી રહ્યા છે, તો લોકોએ સિવિલ હોસ્પિટલ પર ભરોસો કરવો કે કેમ તે અત્યારે એક મોટો પ્રશ્ન છે.
સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના આટલા બધા વીડિયો બહાર આવ્યા, મીડિયાએ પણ આ વાતની નોંધ લીધી છે, પણ રાજ્ય સરકારે કોઈ જ પગલા ભર્યા નથી. નાની મોટી ખામીઓ સુધારીને કહ્યું કે, બધું સલામત છે. ગરીબ પ્રજા પાસે પૈસા નથી, ત્યારે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે. પૈસા નથી તે તેની મજબૂરી છે, ત્યારે રાજ્ય સરકારની ફરજ છે કે, નાનામાં નાના વ્યક્તિને પણ સારી સારવાર મળવી જોઈએ. સિવિલ હોસ્પિટલ એ સરકારી હોસ્પિટલનું ટેગ વાગેલું છે, તે દૂર કરવાની જરૂર છે. રાજ્ય સરકારે કડક હાથે કામ લેવું જોઈએ, અને તમામ દર્દીને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. રાજ્ય સરકારે ગમે તેટલું સારુ કામ કરે, પણ તે તમામ કામ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે ધોવાઈ જાય છે. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની માંદગી દૂર કરવી જોઈએ. ગરીબ પ્રજાની મશ્કરી કરવાનું બંધ કરવું જોઈએ.
ભરત પંચાલ અને ઈશાની પરીખનો વિશેષ અહેવાલ