અમદાવાદ: જન્માષ્ટમી પહેલા ઝોન 7 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા શાહનવાઝ ઉર્ફે શાનું શેખ નામના વટવાના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પિસ્ટલ અને 3 કારતુસ મળી આવી હતી.
"અગાઉ આ કેસમાં 6 આરોપીની ધરપકડ કરીને હથિયાર કબજે કરવામાં આવ્યા હતા. જોકે મુખ્ય આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીએ પોતાના વતનના સહ આરોપી સાથે મળીને હથિયારોની લે વેચ કરી હતી. આ ગુનામાં કેટલા લોકો સામેલ છે. કયા કયા રાજ્યોમાં તેણે હથિયારો વેચ્યા છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે."-- એસ.એમ પટેલ, (ઈન્ચાર્જ ACP,એમ ડિવિઝન)
હથિયાર વેચાણ માટે આપ્યા: હથિયાર અંગે પૂછપરછ કરતા તેણે આ હથિયાર સમીર ઉર્ફે સોનું પઠાણ નામના વટવાના યુવક પાસેથી ખરીદ્યા હોવાની હકીકત સામે આવી હતી. જે બાદ પોલીસે સમીરના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો હતો. તેને પકડી હથિયાર બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા પોતાના વતન મધ્યપ્રદેશમાં રહેતા આફતાબ પાસેથી આ હથિયાર અને તેના સિવાય અન્ય 9 હથિયાર તેમજ કારતુસ લાવ્યો છે. જે હથિયાર જમાલપુર ખાતે રહેતા ફરાનખાન પઠાણને વેચાણ માટે આપ્યા છે.
પિસ્ટલ ઘરમાં છુપાવી રાખી: ઝોન 7 એલસીબીની ટીમે જમાલપુરમાં રહેતા ફરાનખાન પઠાણના ઘરે તપાસ કરતા તે પણ મળી આવ્યો હતો. હથિયાર બાબતે તેની પૂછપરછ કરતા ચાર પિસ્ટલમાંથી બે પિસ્ટલ તેના સંબંધિત ઝૈદખાન પઠાણ અને ઉજેરખાન પઠાણને વેચાણથી આપી હોવાની હકીકત જણાવી હતી. પોલીસે તે બંને શખ્સોને પણ પકડી પાડ્યા હતા. જેમાં ઝૈદ ખાન પઠાણ પાસેથી મળી આવેલી પિસ્ટલમાંથી એક પિસ્ટલ પોતાના મિત્ર શાહરુખ પઠાણને આપી હતી. એક પિસ્ટલ પોતાના ઘરમાં છુપાવી રાખી હતી અને તે પ્રકારની સામે આવી હતી.