અમદાવાદ : મહા ઠગ કિરણ પટેલને જીપીસીબીના લાયસન્સના કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ બાદ આજે કિરણ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડના આધારે અમદાવાદ લવાયો હોવાથી તેને ફરી શ્રી નગર પાછો મોકલી દેવાય તેવી શકયતા છે.
કિરણ પટેલને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો : આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જમ્મુ-કાશ્મીરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડને આધારે કિરણ પટેલને અમદાવાદ લાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેના સાત દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જો કે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડની આપ્યા હતા.
શું હતો સમગ્ર કેસ : વર્ષ 2017માં મોરબીના વેપારી ભરતભાઈ જોડે કેમિકલ ફેક્ટરી માટે જીપીસીબીનું લાયસન્સ કઢાવી આપવા 42 લાખ જેટલી રકમ કિરણ પટેલે પડાવી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે સમાધાન પણ થયું હતું અને 11 લાખ જેટલી રકમ પરત પણ કરી હતી અને બાકીની રકમમાં નારોલમાં જે જમીન છે તે જમીન તમને આપીશું એવી વાત વેપારી સાથે કરી હતી. જો કે આ જમીનનું બાનાખત પણ આ દંપતીએ અન્ય કોઈ વ્યક્તિને કરી દીધું હતું.
માલિની પટેલને કોર્ટ જામીન આપી ચુકી છે : આ છેતરપીંડીનો સમગ્ર કેસ સોલા પોલીસ મથકે નોંધાયો હતો. આ કેસમાં અગાઉ કિરણ પટેલની પત્ની માલિની પટેલને કોર્ટ જામીન આપી ચુકી છે. પરંતુ કિરણ પટેલની તે કેસમાં ધરપકડ બાકી હતી માટે તેને શ્રીનગરથી લાવવામાં આવ્યો હતો. શ્રીનગર પોલીસ અન્ય કેસમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી લઈ ગઈ હતી. ચાર દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ જમ્મુ-કાશ્મીરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડને આધારે કિરણ પટેલને અમદાવાદ લાવી હતી અને નિયમ પ્રમાણે 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીંથી તેને અરેસ્ટ કરીને પરત ક્રાઇમબ્રાન્ચ લઈ જવાયો હતો.