અમદાવાદ: અમદાવાદના માધવપુરામાંથી ઝડપાયેલા 1800 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પાંચ મોબાઇલ ફોન તેમજ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીને વેલોસીટી સર્વરની મેટા ટ્રેડર એપ્લિકેશન આપનાર આરોપી પરેશ ઠક્કરને લુક આઉટ સર્ક્યુલરના આધારે જયપુર એરપોર્ટ ઓથોરિટીએ ડીટેઇન કરીને સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપ્યો હતો.
ગાંધીનગર ખાતેથી ધરપકડ: પરેશ ઠક્કરની પૂછપરછમાં દુબઈના આરોપી દીપક ઉર્ફે ડીલક્ષ ઠક્કર તેમજ તેના ભાગીદાર ભરત ઠક્કર વેલોસીટી સર્વર બનાવવી ઓનલાઇન ડબ્બા ટ્રેનિંગની પ્રવૃત્તિ કરતા હોવાનું અને અમદાવાદના વેજલપુર ખાતે પીએનટીસી કોમ્પલેક્ષના 11મા માળે વીઆઈપી સોફ્ટવેર નામથી ઓફિસ ધરાવીને વેલોસિટી સરવરનું કામ અમીત ઉર્ફે મુકેશ મહેશભાઈ ખત્રી ઓપરેટ કરતો હોવાનું અને મદદમાં પ્રકાશ ઉર્ફે ચીકુ માળી પણ હોવાનું જણાવતા તે બંનેની પણ ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
વેલોસીટી સર્વરનો બિનઅધિકૃત ઉપયોગ: આરોપી અમીત ઉર્ફે મુકેશ ખત્રી તેમજ પ્રકાશ ઉર્ફે ચીકુ મારી પાસેથી મળી આવેલ ઓફિસના મોબાઇલ ફોનમાં વેલોસીટી સર્વરનો બિનઅધિકૃત ઉપયોગ કરી મેટા ટ્રેડર દ્વારા અલગ અલગ માસ્ટર આઇડી બનાવેલી મળી આવી હતી. જે પૈકી SP-1150- ગટુભાઈ નામના માસ્ટર આઇડી દ્વારા શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો હાર જીતનો જુગાર રમાળનાર આરોપી કમલેશ પટેલ, નિખિલ પટેલ, ભરત ઉર્ફે લાલો પટેલ તેમજ દેવ કોટલ નામના માસ્ટર આઇડી દ્વારા શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાવનાર દેવાંગ ઠક્કરનું નામ સામે આવ્યું હતું. જેઓની તપાસ કરતા તેઓને આ મામલે પકડી પાડવામાં આવ્યા છે.
19 આરોપીઓની ધરપકડ: ચારેય આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન તેમજ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 19 આરોપીઓની ધરપકડ કરી છે.
કુલ 2253 કરોડના ટ્રાન્જેક્શન: આ ગુનાની અત્યાર સુધીની તપાસમાં સ્થળ ઉપરથી કુલ 481 જુદી જુદી બેંકના બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જે બેન્ક એકાઉન્ટમાં કુલ 2253 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા હોય તે બેક એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા છે. જેમાં 9 કરોડ 62 લાખ 33 હજાર 139 રૂપિયા ફ્રીજ કરવામાં આવ્યા છે. ફ્રીજ થયેલા બેંક એકાઉન્ટની જરૂરી માહિતી મેળવતા અન્ય કુલ 10,172 બેનેફીશીયરી બેન્ક એકાઉન્ટની વિગત મળી આવતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.