અમદાવાદઃ ગુજરાત એટીએસના અનુસાર ગુજરાતના મધદરીયેથી થોડા સમય પહેલા ઝડપાયેલા 194 કરોડની કિંમતના હેરોઇન અને 6 પાકિસ્તાની આરોપીઓ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ડ્રગ્સ ગેંગસ્ટર લોરેન્સ દ્વારા મંગાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે લોરેન્સ બીશ્નોઈને નલિયાની કોર્ટમાં રજૂ કરીને અગાઉ 14 દિવસના રિમાન્ડ મેળવયા હતા. જે કેસમાં ફરી લોરેન્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામા આવશે. ગુજરાત ATS ની ટીમે અગાઉ આ 9 કારણો જણાવીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા.
3 આરોપીઓ ફરારઃ આ કેસમાં 3 આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચથી બહાર છે. જેમાં નાઈજીરિયાનો ચીફ ઓબોન્ના અની, મેરાજ અને સાઉથ આફ્રિકાની મહિલા બોગાની થાન્ડિલે ઉર્ફે અનિતા ફરાર છે. લોરેન્સ સામે અલગ અલગ રાજ્યોમાં 90 થી વધુ ગંભીર ગુનાઓ છે, જેથી તે આસાનીથી વધુ બોલે તેવું મુશ્કેલ છે જેથી તેની પૂછપરછ કરવી જરૂરી છે.
બિશ્નોઈની પુછપરછના મુ્દ્દાઃ આરોપીએ આ સિવાય અન્ય કોઈ ડ્રગ્સનો જથ્થો દરિયા મારફતે મંગાવીને કોઈને મોકલેલ છે કે કેમ, આ ડ્રગ્સ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે, લોરેન્સ કોઈ આતંકી સંગઠન સાથે સંડોવાયેલો છે કે કેમ, આ અંગેની તપાસ અને તેનું CDR મંગાવીને સાથે રાખીને પૂછપરછ કરવાની છે.
15 દિવસના રિમાન્ડ માંગવામાં આવશેઃ ગુજરાત એટીએસએ કચ્છના કેસમાં આરોપીના અગાઉ 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે પૂર્ણ થતા લોરેન્સને ફરી જેલમાં મોકલી દેવાયો હતો, જોકે કેસમાં UAPAની કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જેથી આ કેસમાં આરોપીના એક મહિનાના રિમાન્ડ મેળવી શકાય છે. જેથી ફરી એક વાર ગુજરાત એટીએસ એ દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાંથી આરોપીની કસ્ટડીની મંજૂરી મેળવી છે. આગામી દિવસોમાં ફરીવાર લોરેન્સ બિશ્નોઈને અમદાવાદ લાવવામાં આવશે. અને બાદમાં નલિયા કોર્ટમાં રજૂ કરી 15 દિવસના રિમાન્ડની માંગણી કરી આગળની તપાસ કરવામાં આવશે.
અતિક એનકાઉન્ટરમાં પણ શંકાસ્પદઃ મહત્વનું છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેસીનો પોતાનું નેટવર્ક ચલાવતો હતો અને સમાજવાદી પાર્ટીના પૂર્વ સાસંદ અતિક અહેમદના એન્કાઉન્ટર કેસમાં પણ લોરેન્સ ગેંગની સંડોવણીની ચર્ચાઓ થઈ હતી, તેવામાં આગામી દિવસોમાં ડ્રગ્સ કેસને લઈને ફરી લોરેન્સની તપાસ હાથ ધરાશે.