સાંજે 4 થી રાતે 9.30 સુધી મામેરાનો શણગાર સરસપુર રણછોડ મંદિરમાં લોક દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. આ મામેરામાં સોનાનો ઢોળ ચઢાવાયેલો દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચઢાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4 વાગ્યાથી રાતે 9.30 વાગ્યા સુધી ભાણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવ્યો છે. ભગવાનના વાઘા બનાવવામાં 35 દિવસ લાગ્યા છે.
આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લ્હાવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે. 20 વર્ષ અગાઉ તેમણે ભગવાનના મામેરા માટે નામ નોંધાવ્યું હતું, પરંતુ 20 વર્ષના લાંબા સમય બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. આ મામેરા પાછળ લગભગ રૂ.10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
કાનજીભાઈએ જણાવ્યું કે, જગતના નાથનું મામેરું કરવાની મારી ખૂબ ઈચ્છા હતી. આજથી 20 વર્ષ પહેલા જેમણે મામેરું કર્યું હતું, તે જોઈને મને ઈચ્છા થઈ હતી કે, હું પણ આ રીતે મામેરુ કરુ. ત્યારે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ વર્ષે આખરે મારો નંબર લાગ્યો છે જે માટે હું મારી જાતને નસીબદાર ગણું છું. મામેરા માટે ભગવાનના વાઘા ઘી કાંટામાં રહેતા યતીન પટેલે બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પિછવાઈ, પાથરણું, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજારના વાઘા ભગવાનને ચઢાવવામાં આવશે. ભગવાનના વાઘામાં ગજરાજ પણ મુકવામાં આવ્યા છે, 2017માં પણ મામેરાના વાઘા તેમણે બનાવ્યા હતા.