અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશના પદાધિકારીઓ, ઉપપ્રમુખ અને મહામંત્રીઓ સાથે બેઠક કરી હતી. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા પર વધુ ભાર મૂકાયો હતો. સક્રિય કાર્યકરોની કામગીરી સાથે જવાબદારી પણ નક્કી થશે.
આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે ચર્ચા કરીને તેમની કામગીરી અને જવાબદારી અંગે મૂલ્યાંકન કર્યું હતું. તેમજ પ્રમુખે તેમને માર્ગદર્શન આપ્યું હતું કે લોકોની વચ્ચે જાવ અને તેમની સમસ્યાઓ જાણો. સ્થાનિક પ્રભારીને મળીને ત્યાંની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પર ભાર આપ્યો છે. મનિષભાઈ દોશી(પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ)
સંગઠન મજબૂતી માટે પ્રવાસ આયોજનઃ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ 8 મહાનગર અને 33 જિલ્લાનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પહેલા તમામ જિલ્લા સમિતિઓ કારોબારીની બેઠક બોલાવશે. તેમાં પ્રભારી સાથે તારીખ નક્કી કરીને તે બેઠકમાં ઉપસ્થિત રહીને સંગઠન મજબૂત બને તે માટે પ્રવાસ કરશે. જે પદાધિકારીઓ નિષ્ક્રિય છે, તેમને પ્રેમથી મુક્ત કરાશે. હાલના સમયમાં અને પોતાની શક્તિ સાથે કામ કરવા માંગે છે, તેવા નવા પદાધિકારીઓની નિમણુંક કરાશે.
ટુ વે કોમ્યુનિકેશઃ આજની બેઠકમાં ટુ વે કોમ્યુનિકેશન હતું. પદાધિકારીઓ અને હોદ્દેદારોએ પ્રમુખને સુચનો કર્યા હતા, શક્તિસિંહે તમામના સુચનો સાંભળ્યા હતા. અને આગળ ઉપર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા તરફ કામ કરીશું, તે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
શક્તિસિંહે માંગ્યો સાથઃ ગુજરાત વિધાનસભામાં માત્ર 17 બેઠક મેળવ્યા પછી પ્રદેશ કોંગ્રેસમાં હતાશા હતી. પણ હવે 2024ની લોકસભાની ચૂંટણી લડી લેવા માટે નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ તમામ પદાધિકારીઓનો સાથ માંગ્યો છે, અને તમામ સહકાર સાથે ચૂંટણી લડીશું તેવો નિર્ધાર કર્યો હતો.