અમદાવાદ: પ્રધાનમંત્રી કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી અનેક લોકોને ચુનો લગાડનાર મહાઠગ કિરણ પટેલને જમ્મુ કાશ્મીરમાં નોંધાયેલા ગુનામાં જામીન મળ્યા છે. જોકે તેની સામે અમદાવાદ શહેરમાં નોંધાયેલા ગુનામાં જામીન ન મળ્યા હોવાથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. શ્રીનગર પોલીસ દ્વારા કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ કિરણ પટેલ અને માલિની પટેલની ધરપકડ કરી હતી. જોકે તે કેસમાં તેઓના રિમાન્ડ પૂર્ણ થતા કાશ્મીર જેલમાં મોકલવામાં આવ્યો હતો.
કોર્ટે શું કહ્યું: આ અંગે શ્રીનગરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે જણાવ્યું હતું કે સેક્શન 467 હેઠળના ગુનાને હટાવ્યા પછી આરોપી દ્વારા કરવામાં આવેલા ગુના માટે 7 વર્ષની જેલની જોગવાઈ છે. કલમ 467માં આજીવન કેદ અને 10 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. માર્ચ મહિનામાં કિરણ પટેલની પહેલી જામીન અરજી નામંજૂર કરવા માટેનું કારણ હતું.
PMO અધિકારી તરીકેની ખોટી ઓળખ: માર્ચ મહિનામાં મહાઠગ કિરણ પટેલને શ્રીનગરની લલીત હોટલમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ પોતે પીએમઓમાં અધિકારી હોવાની ખોટી વાત ઉભી કરી વીવીઆઈપી સુવિધાઓ મેળવી હતી, જે અંગે જાણ થતા ગુનો નોંધાયો હતો. કિરણ પટેલ પાસેથી એક વિઝીટીંગ કાર્ડ પણ મળી આવ્યું હતું, જે તેણે અમદાવાદના મણીનગરમાંથી બનાવ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાંથી અમદાવાદ લવાશે: કિરણ પટેલે પોતાની ખોટી ઓળખ આપીને કાશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અનેક પ્રોજેક્ટ અંગે મીટીંગો પણ કરી હતી. આ કેસમાં જમ્મુ કાશ્મીર પોલીસે ગુનો દાખલ કર્યા બાદ ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરાઈ હતી. તેવામાં કિરણ પટેલ સામે અમદાવાદમાં અલગ અલગ 4 ગુના નોંધાયા હોય જે કેસમાં તેને જામીન ન મળ્યા હોવાથી તેને હવે જમ્મુ કાશ્મીરમાંથી અમદાવાદ લાવીને સાબરમતી જેલમાં રાખવામા આવશે.