અમદાવાદ: PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને જમ્મુ કાશ્મીરમાં અનેક વાર મહેમાનગતિ માણનાર મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલના ક્રાઈમમાં તેની પત્ની પણ ભાગીદાર છે. કારણ કે પત્નીના બેન્ક એકાઉન્ટનો કિરણ પટેલ ઉપયોગ કરતો હતો. માલિની પટેલની જંબુસર ખાતે સંબંધીના ત્યાંથી ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની પુછપરછ હાથ ધરી છે.
કિરણ પટેલની પત્નીની ધરપકડ: મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચી છે. 31મી માર્ચે કોર્ટે આપેલો સમય પૂર્ણ થતાં જ તેને અમદાવાદમાં લાવવામાં આવશે. શીલજમાં અંદાજે 18 કરોડની કિંમતનો શીલજનો બંગલો રીનોવેશનના નામે લઈને બંગલા બહાર પોતાની નેમ પ્લેટ લગાવી પચાવી પાડવાનો પ્રયાસ કરનારા કિરણ પટેલ સામે પૂર્વ પ્રધાનના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે કિરણ પટેલ છેલ્લા 5 વર્ષથી ઘોડાસરના જે ઘરમાં રહેતો હતો તે મકાનનું ભાડું 4 વર્ષથી ચૂકવ્યું ન હતું.
કિરણ પટેલને લવાશે અમદાવાદ: કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરમાં નિષાદ પોલીસ સ્ટેશનના ગુનામાં જેલમાં છે ત્યારે તેને ટ્રાન્સફર વોરંટથી મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોતાની ધરપકડ ટાળવા માટે માલિની પટેલ અલગ અલગ જગ્યાઓ પર પોતાના સંબંધીઓના ત્યાં રોકાતી હતી. જોકે અંતે તેને જંબુસરથી ઝડપી લેવામાં આવી છે.
" કિરણ પટેલ અને માલિની પટેલ સામે નોંધાયેલા ગુના મામલે માલીની પટેલની જંબુસર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તે કિરણ પટેલ સાથે છેતરપિંડીના ગુનામાં સામેલ હોય તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આગામી 31 માર્ચ બાદ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવામાં આવશે. " - ચૈતન્ય મંડલીક, DCP, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
દેવું થઈ જતાં શરૂ કરી છેતરપિંડી: આરોપી માલિની પટેલની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે પોતે બી.એ.એમ.એસ ડોક્ટર હતી. અગાઉ સુગંધાબેન સોનાવણે ગાયનેક હોસ્પિટલમાં નોકરી અને ઘોડાસર જીવીબા સ્કૂલ પાસે ક્લિનિક ધરાવતી હતી. પોતાને સંતાનમાં બે દીકરીઓ હોય અને તેઓની જવાબદારી આવતા તેણે પોતાનું ક્લિનિક બંધ કર્યું હતું. પતિ કિરણ પટેલ અને જેઠ મનીષ પટેલ લો ગાર્ડન ખાતે ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામથી એર ટિકિટ બુકિંગ અને વિઝા કંસિટિંગનું કામ કરતા હતા. તે વખતે દેવું થઈ જતા મનીષ પટેલ અને કિરણ પટેલે જુદા જુદા પ્રકારે છેતરપિંડી કરવાની શરૂ કરી હતી. અગાઉ પણ માલિની પટેલ નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં ઝડપાઈ હતી.
રીનોવેશનના નામે ઘર પર કબજો: કિરણ પટેલ બહાર શું કામ ધંધો કરે છે અને રૂપિયા ક્યાંથી લાવે છે તે પોતાની શું ઓળખાણ આપે છે તે બાબતે માલીની પટેલને જણાવતો ન હતો. કિરણ પટેલે ફરિયાદી જગદીશ ચાવડાને પોતે તેઓના બંગલાને ખરીદવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીને પોતે વડાપ્રધાનના કાર્યાલયમાં અધિકારી હોવાની ઓળખ આપી હતી. માલિની પટેલ અને કિરણ પટેલ હોટલ તાજ સામે આવેલી ટી પોસ્ટ કેફેમાં પણ અવારનવાર જતા હતા. પોતે ટી પોસ્ટ કેફેનો ભાગીદાર હોવાનું કિરણ પટેલ જણાવતો હતો. જે બાદ જગદીશ ચાવડાનો વિશ્વાસ કેળવીને રીનોવેશનનું કામ કરવાનું જણાવી 35 લાખ રૂપિયા લીધા હતા. ફરિયાદીને બહારગામ જવાનું હોવાથી આરોપી કિરણ પટેલે બંગલામાં વાસ્તુ અને હવન કરાવ્યો હતો અને સોસાયટીમાં પણ આમંત્રણ પત્રિકાઓ આપી હતી. વાસ્તુના પૂજા વિધિના ફોટા અને બંગલા બહાર જગદીશપુરમ નામનું બોર્ડ લગાવી તેના આધારે ફરિયાદી જગદીશ ચાવડા વિરુદ્ધ દીવાની કોર્ટમાં દાવો પણ કર્યો હતો અને તેઓનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
જમ્મુ કાશ્મીરની અનેકવાર મુલાકાત: અગાઉ ઓક્ટોબર 2022માં દિવાળીના તહેવાર સમયે માલિની પટેલ અને કિરણ પટેલ પોતાની બંને દીકરીઓ સાથે ફ્લાઈટ મારફતે જમ્મુ કાશ્મીર ગયા હતા. શ્રીનગર સિટીમાં આવેલ ફાઇસટાર હોટલ લલિતમાં રોકાયા હતા. ત્યારબાદ કિરણ પટેલના કહેવાથી પહેલી ફેબ્રુઆરીના એન્ડમાં ફરી એકવાર તેઓ પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા. જ્યાં કિરણ પટેલે કોઈ અધિકારી સાથે દિલ્હી ખાતે વડાપ્રધાન કાર્યાલયમાં પોતે અધિકારી હોવાની ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે પ્રોટેક્શન મેળવ્યું હતું. કિરણ પટેલે પોતાને હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝી માટે તેમજ એપલ જ્યુસની મેન્યુફેક્ચરિંગ કંપની માટેના પ્રોજેક્ટના કામથી આવ્યા હોય સાથે હરવા ફરવાનું કીધું હતું. કાશ્મીર ફરવા માટે પ્રોટેક્શન જરૂરી હોવાથી પોતાની ઓળખાણથી પ્રોટેક્શન અને સરકારી વાહનોની મદદ મેળવી હતી. માલીની પટેલે પતિને આ બાબતે પૂછતા તેણે જવાબ આપવાનું ટાળ્યો હોય તે પ્રકારનું માલિની પટેલે તપાસમાં નિવેદન આપ્યું છે.
શ્રીનગરમાં ધરપકડ: ત્રણ ચાર દિવસ પછી ફ્લાઇટ મારફતે તેઓ પરત આવી ગયા હતા અને બે દિવસ પછી કિરણ પટેલ તેના મિત્ર સાથે ફરીથી કાશ્મીર ગયો હતો. દરમિયાન માલિનીને શ્રીનગર નિસાત પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ અધિકારીનો ફોન આવ્યો હતો અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી. જે બાદ માલીની પટેલને પોતાની વિરુદ્ધમાં ફરિયાદ થઈ હોવાનું જાણવા મળતા ભાડેથી ગાડી કરાવીને ભરૂચ ખાતે પોતાના મામા હસમુખભાઈ પટેલના ઘરે ગઈ હતી અને ત્યારબાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પોતાના કૌટુંબિક મામા વિઠ્ઠલભાઈ પટેલના ઘરે રહેવા જતી રહી હતી.
કિરણ પટેલ સામે અનેક ગુના: મહત્વનું છે કે કિરણ પટેલ સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. જેમાં કાશ્મીરમાં શ્રીનગર ખાતે નિસાદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. સ્વામિનારાયણ મંદિરોમાં ફોરવિલ ગાડીઓ ભાડે રખાવવાનું કહીને 16 ગાડીઓ બારોબાર મેળવીને વેચી દેવાના કૌભાંડ મામલે અમદાવાદમાં નરોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. વડોદરામાં નવલખી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરી ડેકોરેશન તથા લાઇટિંગના એક કરોડ 55 લાખ રૂપિયા ન આપી છેતરપિંડી કરવા મામલે ગુનો નોંધાયો છે. ખેડૂતોને મોટી રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા બતાવી મોટી ઓળખાણ કરાવવાનું જણાવીને ખાણદાણ અને તમાકુમાં રોકાણ કરવા માટે આશરે દોડ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા મામલે બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તે સિવાય વર્ષ 2019 માં વ્યારા કોર્ટમાં નેગોશિયલ 138 નો કેસ દાખલ થયા બાદ વર્ષ 2019માં આણંદ કોર્ટમાં નેગોશીઅલ એક્ટ 138 નો કેસ દાખલ થયો છે.