કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા ચીફ જસ્ટીસને રજૂ કરવામાં આવેલા સંવાદ કોલેજીયમ સમક્ષ ચર્ચા - વિચારણા માટે રજૂ કરાશે. સુપ્રીમ કોર્ટ આ મુદે કોલેજીયમની ભલામણને આધાર રાખીને ચુકાદો આપે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. અગાઉ આ મુદ્દે કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી ડબલ બેન્ચ પાસે વધુ સમયની માગ કરતા દલીલ કરી હતી કે, સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર આ મુદ્દે નિર્ણય લઈ શકે છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે નિર્ણય લઈ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન વતી વકીલ ફાલી નારીમને રજૂઆત કરી હતી કે, અકીલ કુરેશીની નિમણૂંક પ્રક્રિયા કેન્દ્ર સરકારની ભૂમિકા વિશિષ્ટ સંવાદક તરીકેની છે. કેન્દ્ર સુપ્રીમ કોર્ટને જણાવે છે કે, આવેદનપત્રની પ્રક્રિયામાં ગુજરાત સરકારનો શું અભિપ્રાય છે એ મહત્વનું સાબિત થશે.
ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ ઓસોસિએશને સુપ્રીમમાં કરેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જસ્ટિસ અકીલ કુરેશીને મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવાની ભલામણ દેશના કાયદા મંત્રાલયને કરવામાં આવી હતી. આ ભલામણ સાથે અન્ય હાઇકોર્ટના જજોની નિયુક્તિ અંગે પણ ભલામણ કરવામાં આવી હતી. જસ્ટિસ કુરેશી અંગેની ભલામણ સિવાય તમામ ભલામણોને કાયદા વિભાગે મંજૂરી આપી છે પરંતુ જસ્ટિસ કુરેશીની નિયુક્તિમાં બિનજરુરી વિલંબ થઇ રહ્યો છે. જસ્ટિસ અકીલ કુરેશી સ્વતંત્ર અને નિષ્પક્ષ વલણ માટે જાણીતા ન્યાયાધિશ છે.
ગુજરાત હાઈકોર્ટમાં પણ તેઓ પ્રશંસાપાત્ર જજ હતા અને મુંબઇ હાઈકોર્ટમાં પણ તેમને પ્રશંસા મળી રહી છે. સુપ્રીમ કોર્ટના કોલેજીયમે તેમને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી હોય ત્યારે તેમની સક્ષમતા અંગે ચર્ચા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આમ છતાં કેન્દ્રીય કાયદા મંત્રાલય મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણુકમાં વિલંબ કરીને દેશના બંધારણના મૂળભૂત સિંદ્ધાંતોનો ભંગ કરી રહ્યું છે.