અમદાવાદ : 29 જાન્યુઆરી 2023ના રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક મામલે ગુજરાત ATSની ટીમે વધુ 30 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે પકડાયેલા તમામ આરોપીઓ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ છે. જેઓએ મુખ્ય આરોપીઓ પાસે પેપર મેળવવા માટે 12થી 15 લાખમાં સોદો કર્યો હતો.
પેપર લીંકનો સમગ્ર પ્લાન : આ સમગ્ર મામલે પેપર લીક કેસના મુખ્ય આરોપી પ્રદીપ નાયકે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ઓડિશાના જીત નાયક ઉર્ફે શ્રદ્ધા કર લુહાના જે હૈદરાબાદની કે.એલ હાઇટેક પ્રેસમાં નોકરી કરતો હતો. તેણે પૈસાની લાલચમાં આવીને પ્રદીપ થકી ઓડિશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના મિત્ર સરોજનો સંપર્ક કર્યો હતો. જેણે આ પેપર તેના સાગરીતો મોરારી, કમલેશ, ફિરોજ, સર્વેશ, મિંટુ કુમાર પ્રભાત, મુકેશકુમાર થકી ગુજરાતમાં વેચાણ કરવા માટે ચેનલ ગોઠવી આપી હતી.
આરોપીઓ ક્યાં ભેગા થયા હતા : જેના આધારે મિંટુ કુમાર દ્વારા વડોદરા ખાતેની પેથવે એજ્યુકેશન સર્વિસના MD,સ્ટેકવાઇસ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ચલાવતા બિહારના ભાસ્કર ચૌધરી તેમજ અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશનના MD કેતન બારોટ સાથે સંપર્ક કર્યો હતો. બંને આરોપીઓએ પેપર લીકની તૈયારી બતાવતા અને આરોપીઓ આવ્યા હતા. મૂળ ઓડિશાના અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહંતીએ પણ અન્ય એજન્ટો હાર્દિક શર્મા, પ્રણો શર્મા, અનિકેત ભટ્ટ તેમજ રાજ બારોટને વડોદરા બોલાવ્યા હતા. તમામ આરોપીએ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેક વાઇસ ટેકનોલોજીની ઓફિસ ખાતે ભેગા થઈ પેપર લીક કરી તેને વિદ્યાર્થીઓને લાખો રૂપિયા લઈને વેચવાનું નક્કી કર્યું હતું.
વડોદરામાં દરોડા : જોકે ગુજરાત ATSની ટીમે બાતમીના આધારે વડોદરાની ઓફિસમાં દરોડા પાડી તે સમયે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. પેપર કબજે કર્યું હતું. તપાસ દરમિયાન પેપર લીકના અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે અગાઉ કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પેપર લીકના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેટ વાઇસ ટેકનોલોજીની ઓફિસ પર રેડ દરમિયાન ઓફિસમાંથી આ કેસના સંડોવાયેલા અન્ય આરોપીના એજન્ટોના વાહનોમાંથી પરીક્ષાર્થીઓના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટિફિકેટ, અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે 30 જેટલા પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.
પરીક્ષામાં પુછાનાર પ્રશ્નો : ધરપકડ કરેલા પરીક્ષાર્થીઓની પૂછપરછ કરતા વડોદરા ખાતેની સ્ટેકવાઇસ ટેકનોલોજીની ઓફિસ ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાના આગળની રાત્રે પરીક્ષામાં પુછનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી. જેના બદલામાં તેઓ દ્વારા આરોપીઓને 12થી 15 લાખ રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. આ મામલે પરીક્ષાના કોલલેટર, કોરા ચેક અસલ સર્ટિફિકેટ અને અન્ય પુરાવાઓના આધારે પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.
કોની કોની ધરપકડ થઈ : આ સમગ્ર મામલે ગુજરાત ATSએ અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીનીઓ સહિત કુલ 30 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. જેમાં નિમેશ કોલચા, ધ્રુવ પટેલ, વિજય રાઠવા, ત્રિકમ રાઠવા, સુનિલ રાઠવા, હાર્દિક બારીયા, દેવેન્દ્રસિંહ રાઠવા, અરવિંદ ભુહા, ચેતન ત્રિવેદી, ભાવેશ બારીયા, રાકેશ ડામોર, લક્ષ્મણ હઠીલા, અર્જુન ચૌહાણ, જયદીપ ચૌધરી, હરિઓમ દેસાઈ, વિપુલ દેસાઈ, સંજય સંગાડા, રોહિત વાઘેલા, આકાશ પટેલ, સ્મિત પ્રજાપતિ, જીગર રામ, નિશા પટેલ, દીપશિકા પટેલ, નિધિ પટેલ, મિત્તલ પટેલ, લક્ષ્મી રાઠોડ, પ્રિયંકા બારીયા અને રીના બારીયાની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Vadodara Crime : ACB એ છટકું ગોઠવી જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપ્યો
49 આરોપીઓની ધરપકડ : પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં કુલ 49 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં કોઈપણ વિદ્યાર્થી આ પ્રકારે પેપર લીકમાં સામેલ થઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે પકડાયેલા પરીક્ષાર્થીઓ વિરોધમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને અન્ય પરીક્ષા બોર્ડને પણ જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો : Paper Leak: પોલીસે ફર્ધર રિમાન્ડ ન માગતા જૂનિયર ક્લાર્ક પેપર લીકના 19 આરોપીઓને ફરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ : આ સમગ્ર મામલે પેપર લીક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવા માટે ગુજરાત ATSએ પકડાયેલા 30 વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ મેળવ્યા બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરાશે. આ અંગે ગુજરાત ATS ના DYSP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, પેપર લીક કેસમાં સામેલ આરોપીઓની વધુ તપાસ કરતા આ વિદ્યાર્થીઓના સંપર્ક અલગ અલગ એજન્ટો મારફતે ખુલ્યા હોવાથી 30 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે રિમાન્ડ મેળવી તેઓને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.