અમદાવાદ : કોર્ટે આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટના ડી.કે.બાસુના ચુકાદાને ટાંકીને 32 પોલીસ કર્મચારીને નોટીસ પાઠવી હતી. આ પોલીસ કર્મીઓએ આજે જવાબ રજૂ કરવાનો હતો. જો કે કોર્ટે તેમને 06 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. સાથે જ આરોપી પોલીસ કર્મીઓને સરકારી વકીલની જગ્યાએ પોતાનો વકીલ રોકવા હુકમ કર્યો છે. ઉપરાંત નોટીસમાં બે પોલીસ કર્મીના નામ ખોટા લખાતા તેમને નોટીસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેમને ફ્રેશ નોટીસ ઇસ્યુ કરાશે.
શું છે સમગ્ર મામલો : જૂનાગઢમાં મહાનગર પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને લઈને આધાર-પુરાવા રજૂ કરવા મહાનગર પાલિકા દ્વારા 08 ધાર્મિક સ્થાળોને નોટીસ આપવામાં આવી હતી. જેમાં 05 મુસ્લિમ સમુદાયના અને 03 હિંદુ સમુદાયના હતા. આ પૈકી જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે હઝરત રેશમશા પીર બાવાની દરગાહ આવેલી છે. જેને પણ ગેરકાનૂની બાંધકામ ગણીને દરગાહના આધાર પુરાવા રજુ કરવા જૂનાગઢ મહાનગર પાલિકાએ શરદુમશા અને રેશમશા પીર દરગાહ ટ્રસ્ટને નોટીસ આપી હતી. આ નોટીસનો લઈને જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા આ દરગાહ તોડી પડાશે તેવી વાતથી વાતાવરણ તંગ બન્યું હતું.
અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો : 16 જૂન શુક્રવારની મધ્ય રાત્રીએ આશરે 02 હજાર લોકોનું ટોળું એકઠું થયું હતું. જ્યાં પોલીસ પહોંચતા ટોળા દ્વારા પોલીસ, સરકારી કર્મચારીઓ, એસટી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. વાહનો સળગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક DYSP અને ચાર PSI ઘાયલ થયા હતા. એસટી બસના મુસાફરોને પણ પત્થરમારાને લઈને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ વિરોધ કરતા પોલીસે તેમની પર જાહેરમાં અને પોલીસ કસ્ટડીમાં અત્યાચાર ગુજાર્યો છે, તે સંદર્ભની PIL દાખલ કરવામાં આવી હતી.
જાહેરમાં સબક શિખવાડ્યો હતો : ઉલ્લેખનીય છે કે દરગાહ પાસે પોલીસે કેટલાક આરોપીઓને ઉભા રાખીને તોફાન કરવા બદલ ફટકાર્યા હતા. જેના વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેથી માનવ અધિકારોના ઉલ્લંઘન બદલ કોર્ટમાં અરજી થઈ હતી. અરજદારે અગાઉની સુનવણીમાં રજુઆત હતી કે પોલીસે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના અને કોર્ટમાં આરોપીઓ ગુન્હેગાર સાબિત થયા નથી. ત્યારે તેમને માર મારવો તે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.