અમદાવાદઃ જિલ્લામાં 12 ઓગસ્ટના રોજ ઇસ્કોન મંદિર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વર્તમાન રોગચાળાને અનુલક્ષીને ભક્તો માટે ઓનલાઈન ઉજવણી કરી રહ્યું છે.
ઇસ્કોન મંદિર ખાતે ઉજવાતો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતોને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે.
ઉત્સવ દરમિયાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવનું કરવામાં આવેલું આયોજન ઉત્સવને વધુમાંવધુ દર્શનીય બનાવશે.
કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવએ ખૂબ જ મોટો અને મહત્વનો ઉત્સવ છે પણ હાલની અચોક્કસ સ્થિતિને ધ્યાનમાં રાખતા ભક્તોના દર્શનાર્થે આ વર્ષે સમગ્ર ઉત્સવનું પ્રસારણ ઓનલાઈન માધ્યમ દ્વારા કરવામાં આવશે.
આ વર્ષે ભક્તો ઉત્સવનો આનંદ માણી શકે અને દર્શન કરી શકેએ માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની અનુકુળતા અર્થે ઇસ્કોન મંદિરમાં યોજાનારા બધા જ કાર્યક્રમોનું યુટયુબ અને ફેસબુક દ્વારા ઓનલાઈન પ્રસારણ કરાશે.
ભક્તો સામાજિક અંતર જાળવી રાખે અને સરકાર દ્વારા આ સુચિત કરાયેલા ગાઇડલાઇન્સનું આ નિર્ણાયક સમયમાં ચુસ્તપણે પાલન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.