અમદાવાદ : જમ્મુ કશ્મીરના સંવેદનશીલ વિસ્તાર એવા ઉરી, પુલવામા, અંતનનાગ, બારામુલા જેવી જગ્યાના આર્મી કેન્ટોનમેન્ટના સરનામા પર જમ્મુના લોકોને ગાંધીનગરથી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપવાના કેસમાં તપાસમાં વધુ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકો 5 હજારથી 9 હજાર સુધી રૂપિયા લઈને બનાવી આપતા હતા. તપાસમાં જમ્મુના 3 લોકો અને ગાંધીનગરના 3 લોકોનું નામ પણ તપાસમાં આવ્યું છે, ત્યારે જમ્મુ જવા માટે એક ટીમ તૈયાર કરાઈ છે.
શું છે સમગ્ર મામલો : મિલીટ્રી ઇન્ટેલિજન્સ પુનાથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી આપવામાં આવી હતી, જેના આધારે તપાસ કરતા ગાંધીનગર RTOમાં ફરજ બજાવતા સંતોષ ચૌહાણ અને ધવલ રાવત નામના એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. આ એજન્ટો છેલ્લા ત્રણ વર્ષથી આર્મીના નકલી દસ્તાવેજો ઉપર લાયસન્સ બનાવ્યા હતા. અત્યાર સુધીમાં 2 હજારથી વધુ જમ્મુ કશ્મીરના રહીશોના લાયસન્સ બનાવ્યા છે. આ લાયસન્સ બનાવવા પાછળ આતંકી પ્રવૃતિ માટે ઉપયોગ કરતા હોવાની આંશક લઈ જમ્મુ કશ્મીરમાં તપાસ શરૂ કરાઇ છે.
આરોપી કેટલાક લોકોના સંપર્કમાં : પકડાયેલા આરોપી સંતોષસિંઘ ચૌહાણની તપાસ કરતા તે વર્ષ 1991થી 2012 સુધી ભારતીય નૌકાદળની હોસ્પિટલ આઈએનએચએસ અશ્વિનીમાં મેન્ટેનન્સનું કામ કરતો હતો. વર્ષ 2015થી તે ગાંધીનગરમાં રહી એજન્ટ તરીકે આરટીઓમાં કામ કરતો હતો. જે દરમિયાન તેને જમ્મુ કાશ્મીરના અશફાક, નઝીર, વસીમ તેમજ બીજા કેટલાક કિસ્સો સાથે સંપર્ક થયો હતો. તેણે આ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓની તપાસમાં વધુ 556 ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા છે. ગુનામાં સામેલ જમ્મુ કાશ્મીરના આરોપીઓને પકડવા માટેની કવાયત હાથ ધરાઈ છે. તેઓના પકડાયા બાદ વધુ ખુલાસા થઈ શકે છે. - મિતેષ ત્રિવેદી (PI, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ)
આ કેસમાં વધુ ખુલાસા : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓની ધરપકડ કરતા તેઓને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ 556 જેટલા ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા છે. તેમજ અન્ય દસ્તાવેજો અને તેઓની પાસે કેન્ટીન કાર્ડ પણ મળી આવતા આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓની સાથે ગુનામાં સામેલ જમ્મુ કાશ્મીરના આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કશ્મીર ખાતે રવાના કરવામાં આવી છે, ત્યારે હવે જમ્મુ કાશ્મીરના આરોપીઓ પકડાયા બાદ જ આ કેસમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે.