શ્રીકૃષ્ણ ભગવાનને સૌથી વ્હાલા પટરાણી હતા રૂકમણીજી. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે તેઓ મોટાભાઈ અને બહેન સુભદ્રાજીને લઈ ગયા. ત્યારે રૂકમણી રિસાયા હતા. ભગવાન જગન્નાથજી રથયાત્રાએ પરત ફર્યા ત્યારે રૂકમણીજીએ દ્વાર ન ખોલ્યા, અને ભગવાનને બહાર સુઈ રહેવું પડ્યું હતું. આ લોકવાયકાને પગલે આજે પણ ભગવાન જગન્નાથજી રથયાત્રાએ રાત્રે પરત ફરશે ત્યારે રથમાં જ શયન કરશે.
અષાઢી સુદ ત્રીજના દિવસે સવારે ભગવાનને ગર્ભગૃહમાં લવાશે, તે પહેલા રથ પર જ ભગવાનની નજર ઉતારવાની વિધિ થશે. નગરચર્યા દરમિયાન ભગવાનને કોઈની નજર ટોક લાગી હોય તો તેને ઉતારીને પછી તેમની પૂજા કરાય છે, અને ત્યાર પછી ભગવાનને મંદિરમાં લવાશે. આમ વર્ષમાં એક વાર ભગવાનની રથમાં જ આરતી થાય છે અને તેઓ રથમાં જ શયન કરે છે.