અમદાવાદ: અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા હરિપ્રકાશ જાટ નામના વ્યક્તિએ આવીને બેનારામ અને તેના ડ્રાઇવર વિરૂદ્ધ ઠગાઈની અરજી કરી હતી. જેમાં ગાડી વેચાણનું કહીને તેની પાસેથી 3 લાખ લઈને ઠગાઇ કરી હોવાની અરજી કરી હતી. જે અરજીની તપાસમાં ગાડી નંબરના આધારે શોધખોળ કરતા પોલીસ આરોપી બેનારામ રેબારી, મુકેશ રાયકા અને જૂજર રેબારી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીની પુછપરછ કરતા જે હકીકત સામે આવી તેનાથી તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અફીણના નેટવર્કનો પર્દાફાશ: પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે આ ગાડીની ઠગાઈ નહિ પરંતુ અફીણના પૈસાની લેતી દેતીનો મામલો હતો. સરખેજમાં હરિપ્રકાશ જાટની ગાડીની ઠગાઈ કેસમાં હવે પોલીસ સામે અફીણના નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનો મામલો સામે આવતા પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે પોતાની સાથે ઠગાઇ થઈ હોવાની અરજી કરનાર ફરિયાદી પણ ખુદ આરોપી હતો.
અફીણનો કારોબાર: હરિપ્રકાશ જાટ રાજસ્થાનમાં અફીણનો ધંધો કરે છે. જ્યારે આરોપી બેનારામ રેબારી અફીણનો બંધાણી છે. બેનારામને અફીણ ખરીદવું હતુ માટે હરિપ્રકાશનો સંપર્ક ર્ક્યો હતો. હરિપ્રકાશ એક વખત મોટા ચિલોડા આવી રેકી પણ કરી ગયો હતો. જે બાદ માહોલ યોગ્ય લાગતા એક કિલો અફીણનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો. ત્યારે બેનરામ અને જુજર રેબારી કારમાં આવીને હરિપ્રકાશને શાંતિપૂર્ણ સર્કલ પાસે લઈ ગયા હતાં.
મામલો ગાડીનો નહીં પણ અફિણનો નીકળ્યો: જ્યાં એક હોટલમાં હરીપ્રકાશ અને બેનારામ ચા પીવા હોટલ પર ઉતર્યા હતા અને ડ્રાઈવર જુજર ગાડીમાં જ બેઠો હતો. ચા પીધા બાદ બેનારામ વોશરૂમ જવાનું કહીને ત્યાંથી જૂજર સાથે કાર લઈને નાસી ગયો હતો. ગાડીમાં રાખેલો હરિપ્રકાશનો અફીણનો જથ્થો મુકેશ રાયકાને આપી દિધો હતો. બેનારામને એવું હતું કે હરિપ્રકાશ અફીણને લઈને ફરિયાદ નહિ કરી શકે પરંતુ હરિપ્રકાશે અફીણના પૈસા મેળવવા ખોટી અરજી કરી કે બેલારામએ ગાડીનું વેચાણ કરવાનું કહીને તેનો સંપર્ક કર્યો અને રૂ 3.20 લાખમાં ગાડીનો સોદો કર્યો. જેમાં 3 લાખ તેમજ ગાડી લઈને આરોપી ફરાર થઇ ગયા.
'અરજીની તપાસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા અફીણની લે-વેચનો કારોબાર સામે આવ્યો હતો. હાલ તો ગુનામાં સામેલ ચારેય આરોપીઓને પકડીને તેઓ કેટલા સમયથી આ પ્રકારે અફીણની લે-વેચ સાથે સંકળાયેલા છે. અન્ય કોણ કોણ લોકો આ ગુનામાં તેઓની સાથે સામેલ છે તે તમામ દિશામાં તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.' -એસ.ડી પટેલ, ACP, એમ ડીવીઝન
NDPS એક્ટ હેઠળ ગુનો: પોલીસે ઠગાઈની ફરિયાદની તપાસ દરમ્યાન અફીણનાં રાજસ્થાન નેટવર્કનો પર્દાફાશ થયો. જેને લઇને સરખેજ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. પોલીસે હવે આ તમામ આરોપીઓની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરશે અને આ લોકો કેટલા સમયથી અફીણનો ધંધો કરતા હતા. અગાઉ કોઈ વખત ગુજરાત કે અમદાવદામાં અફીણ આપવામાં આવ્યું છે કે કેમ તે તમામ મુદ્દે પૂછપરછ હાથ ધરશે.