અમદાવાદ: સામાન્ય રીતે 1975 થી વિશ્વમાં 8 મી માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે પરંતુ આ આખું અઠવાડિયું તેની ઉજવણી ચાલતી રહે છે. આર.ડી.ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા ડોક્ટર દિપીકાબેન સરડવા સહિત વિવિધ ક્ષેત્રના સામાજિક અને રાજકીય મહિલા અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી: "નારી તું નારાયણી" અને "સશક્ત મહિલા, સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર" એમ પરંપરાગત અને આધુનિક કહેવતોને સાંકળી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે વિવિધ આયોજન આ ફાઉન્ડેશનના અધ્યક્ષા અને મહિલા ઉદ્યોગ સાહસિક શ્રીમતી પ્રિયાબેન પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં સર્વે ઉપસ્થિત મહિલાઓએ હોંશ ભેર ભાગ લીધો હતો.
મહિલા દિન નિમિત્તની શુભકામનાઓ: સંજોગોવસાત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકવાના કારણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગના કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપુત તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ વિડીયો સંદેશ સ્વરૂપે કાર્યક્રમના આયોજન બદલ અને મહિલા દિન નિમિત્તની શુભકામનાઓ પાઠવી હતી. ચેરીટી કમિશનર વાય.એમ. શુક્લાએ પણ શુભેચ્છાપત્ર પાઠવ્યો હતો.
વુમન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન: વુમન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન મહિલા ઉદ્યોગ સાહસિકોની સંસ્થા છે. જેમાં સમયાંતરે મહિલાઓને ઉદ્યોગ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ, સહાય આપવામાં આવે છે. તેનાથી સ્ટાર્ટઅપમાં રસ ધરાવતી મહિલાઓ તથા ઉદ્યોગ સાહસિક મહિલાઓને તેમના ઉદ્યોગના ઉત્પાદન, માર્કેટિંગ, એકાઉન્ટિંગ તથા અન્ય સંલગ્ન બાબતો વિશે અધ્યતન માહિતી મળતી રહે છે.
આ પણ વાંચો Women's Day 2023 : રાજકોટની આ મહિલા, જે 210 મનોદિવ્યાંગ બાળકોની માતા તરીકે ઓળખાય છે
રાજયભરમાં વિવિધ પ્રોગ્રામ: "બેટી બચાવો, બેટી પઢાવો" અને "સ્ત્રી સશક્તિકરણ" ના કાર્યક્રમોના કારણે તથા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના કારણે આજે મહિલાઓ શિક્ષિત બનીને સામાજિક, રાજકીય, આર્થિક રમતગમત જેવા અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને દેશ તથા રાજ્યનું નામ રોશન કરી રહી છે . દેશના આર્થિક વિકાસમાં મહિલાને યોગદાન અને આગવી ઓળખ બનાવવા માટે આહવાન કર્યું હતું તેમજ ફાઉંડેશન દ્વારા આગામી દિવસોમાં રાજયભરમાં વિવિધ પ્રોગ્રામો કરીને મહિલાઓને એકત્રિત કરીને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું મોડલ બનાવવામાં આવશે.
આ પણ વાંચો International Women's Day: સુદર્શન પટનાયકે રેતીના શિલ્પ બનાવીને મહિલા દિવસની આપી શુભેચ્છાઓ
આ અંગે ETV ભારત સાથે વાતચીત કરતા પ્રિયાબેન પટેલે જણાવ્યું હતું કે મહિલા દિવસની ઉજવણી દેશભરમાં કરાય છે ત્યારે વુમન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઈ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જોકે મુખ્ય પ્રધાન ઉપસ્થિત ન રહી શકતા વિડીયો સંદેશો મોકલ્યો હતો.