અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના 75 વર્ષના સંબંધની ઉજવણી કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબનીઝ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપ પક્ષના કાર્યકર્તાઓ મેચ જોવા આવ્યા હતા અને તમામ પ્રેક્ષકોને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા.
લોકો માટે કરાઇ ખાસ બસની વ્યવસ્થા : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચમાં અમદાવાદના તમામ વોર્ડ માંથી AMTS બસની વ્યવસ્થા પ્રેક્ષકો અને ભાજપના કાર્યકર્તાઓ માટે કરવામાં આવી હતી. સવારે 7 વાગ્યાની આસપાસ તમામ વોર્ડમાંથી બસનું સંચાલન કરવામાં આવ્યું હતું. 9.30 કલાકે તમામ લોકોએ સ્ટેડિયમ ખાતે હાજરી આપી હતી. ચોથી ટેસ્ટ મેચના પ્રારંભમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલબનીઝ રાષ્ટ્રગીતમાં જોડાયા હતા અને ત્યારબાદ સ્ટેડિયમની અંદર રોડ શો કર્યો હતો. મેચ શરૂ થયા બાદ થોડી વાર બંને દેશના પીએમએ મેચ નિહાળી હતી અને 10.30 વાગ્યાની આસપાસ બન્ને પીએમ રવાના થયા હતા.
લોકોએ ફુડ પેકેટ માટે કરી પડાપડી : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેલા પ્રેક્ષકો અને કાર્યકર્તાઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. જે પેકેટ મેળવ્યા બાદ કાર્યકરો અને દર્શકોએ ચાલતી પકડી હતી. આ ફુડ પેકેટની વાત કરવામાં આવે તો જેમાં સ્વીટ અને બિસ્કીટ મૂકવામાં આવ્યા હતા. અલગ અલગ બે પ્રકારના ફુડ પેકેટનું વિતરણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. બંને ફૂડ પેકેટમાં અમુલની લસ્સી અને કચોરી મુકવામાં આવી હતી. અમુક લોકોએ તો આખી ફૂડ પેકેટની મોટી થેલીઓ જૂટવી લિધી હતી.
બન્ને દેશના વડાપ્રધાન રહ્યા હાજર : 10:30 વાગ્યાની આસપાસ ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાને સ્ટેડિયમ છોડ્યું હતું. ત્યારબાદ બીજી બાજુ પ્રેક્ષકો પણ ફૂડ પેકેટ લઈને બહાર નીકળતો જોવા મળ્યા હતા. અંતે જે લોકો ખરેખર મેચ જોવા જ આવ્યા હતા તેવા જ લોકો સ્ટેડિયમની અંદર પ્રેક્ષકો તરીકે હાજર રહ્યા હતા અને બાકીના લોકો પોતાનું કામ પૂર્ણ થતા સ્ટેડિયમ બહાર નિકળી ગયા હતા. પ્રથમ દિવસે બંને દેશના વડાપ્રધાન હાજર રહેવાના કારણે તમામ લોકોને ફ્રી એન્ટ્રી પણ આપવામાં આવી હતી. તેમ છતાં પણ સ્ટેડિયમમાં પુરતા પ્રમાણમાં દર્શકો જોવા મળ્યા ન હતા.