અમદાવાદ: કેન્દ્રિય ગૃહ અને સહકારિતાપ્રધાન અમિત શાહે મહેસાણા જિલ્લાના બોરિયાવીમાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસહકારી સંસ્થા દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરીના જન્મશતાબ્દી મહોત્સવ વર્ષના ઉપલક્ષ્યમાં આ સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. અંદાજે 75 કરોડના ખર્ચે 11 એકર વિસ્તારમાં આકાર પામનારી આ સૈનિક સ્કૂલ પી.પી.પી. ધોરણે કાર્યરત થનારી દેશની 20મી અને સહકારી સંસ્થા દ્વારા નિર્માણ પામનારી દેશની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે.
સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત: કેન્દ્રિય ગૃહપ્રધાને આ અવસરે જણાવ્યું હતું કે આવી સૈનિક સ્કૂલ જ્ઞાન સાથે રક્ષા, બહાદૂરી અને રાષ્ટ્રસેવાનો ભાવ બાળકોના જીવનમાં લાવી નવો ઉમંગ, નવી ચેતના જગાવશે. એટલું જ નહીં, દેશભક્તિ અને શિસ્તના સંસ્કાર સાથેના નાગરિકો આ સૈનિક સ્કૂલમાંથી તૈયાર થશે. અમિતભાઈ શાહે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 9 વર્ષના સુશાસનમાં સહકારી સંસ્થાઓ, એન.જી.ઓ., સેવા સંગઠનો અને સેવાભાવી વ્યક્તિઓ સૌને દેશના વિકાસમાં જોતર્યા છે અને ભારત દિન દૂની રાત ચોગુની વિકાસગતિથી આગળ વધી રહ્યું છે. દેશમાં પી.પી.પી. ધોરણે 100 સૈનિક સ્કૂલ સ્થપાવાની છે, તેમાંની 20મી અને સહકારી સંસ્થા સંચાલિત પ્રથમ સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત એ ગુજરાત માટે ગૌરવ ઘટના છે.
પ્રેરણાદાયી કામ: અમિત શાહે દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરીનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, સાર્વજનિક જીવનમાં આદર્શ કાર્યકર્તા કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ મોતીભાઈ ચૌધરી હતા. લોકપ્રતિનિધિએ સાદગી અને સરળ જીવનથી કેવી રીતે લોકસંપર્ક કરવો તેનું ઉત્તમ અને આદર્શ દૃષ્ટાંત મોતીભાઈ હતા. કટોકટીની લડાઈ, સહકારી ક્ષેત્રના વિકાસની ગતિ સહિત પશુપાલકોના હિત માટે મોતીભાઈ ચૌધરીએ પ્રેરણાદાયી કામ કર્યું છે. સતત ૩૦ વર્ષ સુધી અવિરત સેવા કરીને મોતીભાઈએ દૂધ સાગરના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. ત્રિભુવનદાસ પટેલ સાથે મોતીભાઈએ ખભાથી ખભો મિલાવી બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા ત્રણેય જિલ્લામાં દૂધ ઉત્પાદનનો મોટો યજ્ઞ શરૂ કરવાનું કામ કર્યું હતું.
સરકારની નેમ: સૈનિક સ્કૂલના ઈ ખાતમુર્હૂત પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બાળપણથી જ બાળકોમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને અને બાળકો રાષ્ટ્રને સમર્પિત થાય તે માટે દેશમાં વડાપ્રધાને 100 સૈનિક સ્કૂલો શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. સરકારના પ્રયાસો સાથે સમાજના પ્રયાસોને જોડવામાં આવે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે. મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દૂધસાગર ડેરીએ શ્વેત ક્રાંતિ સાથે રક્ષા ક્રાંતિની આગવી પહેલ ઊભી કરી છે. સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલ ગુજરાતમાંથી રાષ્ટ્રને મળવાની છે. ખેરવા, રાધનપુર, ખેરંચા અને સુરતના ઉમરપાડામાં સૈનિક સ્કૂલો શરૂ થઈ છે. રાજ્યમાં વધુ 10 રક્ષાશક્તિ સ્કૂલો સામાજિક ભાગીદારીથી શરૂ કરવાની સરકારની નેમ છે.
ઐતિહાસિક દિવસ:આ પ્રસંગે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, દૂધ સાગર ડેરી માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. આ સાગર સૈનિક સ્કૂલ થકી શિસ્તબદ્ધ અને સંસ્કારી વિદ્યાર્થીઓ તૈયાર થશે જે આગળ જઈને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપશે. દૂધ સાગર ડેરીએ પશુપાલનની સાથે સાથે હવે પ્રાકૃતિક ખેત પેદાશો દેશી ચણા, ઘઉં, બાજરી વગેરે ખરીદવાની શરૂઆત કરી છે. જેથી કરીને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને તેનું ઉત્પાદન કરી રહ્યા છે.