ગાંધીનગર: આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. આ મામલે ગુજરાતના DGP વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મેચને લઈને અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાની પોલીસને એલર્ટ પણ કરી દેવામાં આવી છે.
'ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલમાં અમદાવાદ છે. આવતીકાલે બંને ટીમ સ્ટેડિયમ સુધી પહોંચે તે માટેની ખાસ વ્યવસ્થા અને સુરક્ષા કરવામાં આવી છે. મેચને લઈને ગુજરાત પોલીસ દ્વારા પાંચ સ્ટેજમાં તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા માટે ખાસ NSG કમાન્ડો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો, બોગસ ટિકિટ અને આતંકવાદી સંગઠન નીચે ચીમકીઓ છે તે બાબતે એટીએસ, એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ સ્ટેડિયમની અંદર અને બહાર તૈનાત કરવામાં આવ્યા છે.' - વિકાસ સહાય, પોલીસ વડા
- સ્ટેડિયમ અને પ્રેક્ષકોની સુરક્ષા વ્યવસ્થા
- બંને ટીમની સુરક્ષાની વ્યવસ્થા
- સ્ટેડિયમની બહારની સુરક્ષા અને પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા
- ગુજરાતના તમામ જિલ્લાઓ એલર્ટ મોડ ઉપર
- મેચના પરિણામ બાદ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા
8 વાગ્યા પછી ગુજરાત એલર્ટ પર: પોલીસ વડા વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના આઠ વાગ્યા પછી ગુજરાતના તમામ જિલ્લાઓને એલર્ટ ઉપર મૂકી દેવામાં આવશે અને SRPની ટીમોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે જ પરિણામ કંઈ પણ આવે અને વિજય સરઘસ બાબતે સ્થાનિક પોલીસ જ આ બાબતે નિર્ણય લેશે. મેચમાં કોઈ પણ નિર્ણય આવશે પણ ગુજરાત પોલીસ એલર્ટ મોડ ઉપર જ રાખવામાં આવશે.
6000 પોલીસ કર્મચારીઓ તૈનાત: ભારત-પાકિસ્તાનની મેચમાં સ્ટેડિયમની આસપાસમાં કુલ 6000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવશે. જેમાં સ્ટેડિયમની સુરક્ષા ઉપરાંત બોમ્સ સ્કવોર્ડની ખાસ ટીમ, ઉપરાંત ATS, SOG, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખડે પગે રાખવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના અને ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બની શકે.