આગામી 2020ના વર્ષમાં નીટ ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, બે વખત લેવાશે કે એક વખત, તે મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નહીં હોવાના કારણે હજારો વાલીઓમાં મૂંઝવણ ફેલાઈ છે.સ્કૂલોમાં ધોરણ 12 સાયન્સમાં બે માસનો અભ્યાસક્રમ પુરો થઈ ગયો છે. જુલાઈ પુરો થવામાં અને ઓગસ્ટ શરૂ થવાનો છે. આવતા વર્ષે નીટ કેવી રીતે લેવાની છે ?, ઓનલાઈન કે ઓફલાઈન ? એક વખત લેવાશે કે બે વખત ? તેનો જવાબ વાલીઓને મળતો નથી.
પરંતુ આ બાબતે ક્યાંયથી સ્પષ્ટતા થતી નથી. NTA દ્વારા અત્યારથી જ જાહેર કરવામાં આવે કે 2020માં એક પરીક્ષા લેવાશે કે બે, ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન તો વિદ્યાર્થીઓને તૈયાર કરવાની જાણ થાય.વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા લેવાની હોય તો તે પ્રમાણેની તૈયારી કરી શકે છે.નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા 2019ની શરૂઆતમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે હવે પછી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ ઓનલાઈન લેવામાં આવશે. જેમાં પ્રથમ ટેસ્ટ જાન્યુઆરી અને બીજી મે માસમાં લેવામાં આવશે.
જો કે આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. મેડિકલની ટેસ્ટ ઓનલાઈન હોય શકે નહીં તેવી દલીલ અને તેના કારણે ઉભા થનારા પ્રશ્નોની યાદી સાથેની રજૂઆત મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં થઈ હતી.ત્યારબાદ લાંબી વિચારણાના અંતે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ઓનલાઈન નીટ લેવાનો પ્રસ્તાવ પડતો મુક્યો હતો. તેમજ બે વખતના બદલે માત્ર એક વખત જ અને તે પણ પેન-પેપર મોડથી ટેસ્ટ લેવાઈ હતી. હવે નીટમાં કોઈ પ્રશ્નો આવતા નથી. પેપર પણ વિદ્યાર્થીએ પસંદગી કરેલી ભાષામાં એકસરખા આવે છે.