અમદાવાદ: સરખેજ વિસ્તારમાં આવેલા સંજય આલોકના નેમિચાર ફાર્મ હાઉસમાં કામ કરતા અને ત્રણ ત્રણ લગ્ન કરનાર પ્રમોદ પટેલની હત્યાનો ભેદ ઉકેલી ક્રાઈમ બ્રાન્ચે મૃતકની પત્ની કિંજલ અને તેના પ્રેમી અમરત રબારીની ધરપકડ કરી છે. કિંજલે પતિનું કાસળ કાઢવાનું કહેતા પેમી અમરતે રાજસ્થાનના સુરેશને પ્રમોદની હત્યા માટે પાંચ લાખની સોપારી આપવાનું નક્કી કર્યું હતું. કિંજલના પ્રેમ પ્રકરણને પગલે પતિ-પત્ની વચ્ચે તકરાર થતી હતી. પતિ પ્રમોદને છોડી પ્રેમી સાથે રહેવા માંગતી હતી. આ હત્યામાં સંડોવાયેલા સોપારી કિલર સુરેશ અને તેના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના મોહનપુર ગામના પ્રમોદ દેવજી પટેલ માણેકબાગ વિસ્તારના શ્રેયસ ફાઉન્ડેશન પાસે આવેલા પ્રણવ એપાર્ટમેન્ટમાં 25 વર્ષીય પત્ની કિંજલ અને ચાર વર્ષના પુત્ર સાથે રહેતા હતા. પ્રમોદભાઈ છેલ્લા 22 વર્ષથી મહંમદપુરા ખાતે આવેલા નેમિચાર ફાર્મ હાઉસમાં યોગા નર્સરીમાં કામ કરતા હતા. ગત ગુરુવારે રાત્રે પ્રમોદભાઈ ઘરે ના આવતા પત્ની કિંજલે તેના માસા હસમુખ પટેલ અને પિતરાઈ દિયર કિરીટ પટેલને જાણ કરી હતી. બંને જણા પ્રમોદભાઈને શોધવા માટે ફાર્મ હાઉસ પર ગયા હતા. ત્યાં પણ દરવાજો બંધ હોવાથી ઘરે પરત ફર્યા હતા. ત્યારે બંને જણા પ્રમોદભાઈના શેઠ સંજય આલોકના ઘરે પણ શોધવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પ્રમોદભાઈ ગુરુવારે કામ પતાવી સાંજે છ વાગ્યે નીકળી ગયા હતા. સંજય આલોકના ઘરેથી નીકળી હસમુખભાઈ અને કિરીટભાઈ બંને નેમિચાર ફાર્મ હાઉસ તરફ પ્રમોદભાઈને શોધવા નીકળ્યા હતા. ફાર્મ હાઉસથી 100 મીટર દૂર પોલીસ સહિતના લોકો સ્થળ પર ઉભા હતા હસમુખભાઈ અને કિરીટભાઈ સ્થળ પર પહોંચ્યા અને જોયું તો ઝાડી પાસે લોહીથી ખરડાયેલી હાલતમાં પ્રમોદભાઈનો મૃતદેહ પડ્યો હતો. બંનેએ પોલીસને પોતાની ઓળખ આપી મૃતક પ્રમોદ હોવાનું કહ્યું હતું.
જે બનાવ અંગે પ્રમોદભાઈના ભાઈ જયેશ પટેલને જાણ કરવામાં આવી હતી. પ્રમોદભાઈને ગળાના ભાગે તેમજ શરીર પર તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારવામાં આવ્યા હતા. સરખેજ પોલીસે મૃતક પ્રમોદભાઈના નાનાભાઈ જયેશ દેવજી પટેલની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક પ્રમોદના મોબાઈલ ફોન નંબર તેમજ ટાવર લોકેશન અને CCTV કેમેરાના ફૂટેજના આધારે આરોપીને શોધવાની તજવીજ શરૂ કરી હતી. સરખેજ પોલીસ સાથે પ્રમોદ પટેલની હત્યાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઈ હતી. જેને લઇ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રમોદ હત્યામાં તેની પત્ની કિંજલ અને તેનો પ્રેમી અમરત રબારી સંડોવાયેલો છે. જે બાતમીના આધારે પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેઓએ હત્યાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ 25 વર્ષીય કિંજલ પટેલ સાથે પ્રમોદે ત્રીજા લગ્ન કર્યા હતા. બીજી તરફ કિંજલને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢબાલ ગામના અમરત ગોબર દેસાઈ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી પતિ પત્ની વચ્ચે અનેક વખત તકરાર થતી હતી. કિંજલને અમરત સાથે રહેવું હોવાથી તેણે પ્રેમીને પતિનો કાંટો કાઢવા કહ્યું હતું. ત્યારે મૂળ રાજસ્થાનના અને પોતાના મિત્ર એવા સુરેશને અમરતે પ્રમોદની હત્યાનું કામ સોંપ્યું હતું. જેમાં પેટે રૂપિયા પાંચ લાખની સોપારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુરુવારે પ્રમોદે પત્ની કિંજલને ફોન કરી ઘરે આવતા મોડું થશે તેમ જણાવ્યું હતું. કિંજલે આ મેસેજ પ્રેમી અમરતને આપ્યો હતો અને અમરતે સુરેશનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સુરેશ અને અન્ય એક વ્યક્તિને કારમાં લઈ અમરત ફાર્મ હાઉસ પહોંચ્યો. જ્યાં થોડે દૂર કાર ઉભી રાખી પ્રમોદની રાહ જોવામાં આવી રહી હતી. પ્રમોદ ટુ વ્હીકલ પર બહાર આવતા ત્રણેય આરોપીઓએ તેને રોક્યો હતો. પ્રમોદને રોકી તેની સાથે બોલાચાલી કર્યા બાદ પ્રમોદને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ઝાડીઓમાં નાખી દીધો હતો. ત્યારબાદ અમરતે પ્રેમિકાને કામ થઇ ગયાની જાણ કરી હતી.
જેને લઇ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પત્ની કિંજલને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કિંજલે તેની સમગ્ર હકીકત જણાવી હતી. જેને લઇ હવે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ બંને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.