- ધંધુકાના વીજકર્મીઓ પોતાની માગણીઓ અંગે મેદાને
- 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી પહેરીને કરશે વિરોધ
- માગ નહીં સંતોષાય તો આંદોલનની પણ આપી ચીમકી
અમદાવાદઃ ધંધુકાના વીજકર્મીઓએ 16 જાન્યુઆરીથી જ કાળી પટ્ટી ધારણ કરી બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ તેઓ 17થી 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરી ફરજ પર હાજર રહેશે. આ સાથે જ આગામી 21મી જાન્યુઆરીએ રાજ્યની વીજ કંપનીઓના વીજ કર્મીઓ માસ સીએલ પર જશે. સંકલન સમિતિના જણાવ્યા પ્રમાણે, તારીખ 21 જાન્યુઆરીએ તમામ વીજ કંપનીઓના તમામ કર્મચારીઓ સામૂહિક રીતે પોતાની પડતર માગણીઓ અંતર્ગત વિરોધ પ્રદર્શન કરશે.
વીજ કંપનીઓની પડતર માગણીઓ સંદર્ભે સાત સંઘ સંગઠનો
- અખિલ ગુજરાત વિદ્યુત કર્મચારી સંઘ
- સીબી એન્જિનિયર્સ એસોસિએશન
- વિદ્યુત કામદાર મહામંડળ
- ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ
- ગુજરાત ઊર્જા કર્મચારી ઉત્કર્ષ મંડળ
- જીબી સુપરવાઈઝરી એસોસિએશન
- ગુજરાત વિદ્યુત મજૂર સંઘ
જો 21મીએ ક્યાંય પણ વીજ પૂરવઠો ખોરવાય તો તેના માટે રાજ્ય સરકાર જવાબદારઃ જનરલ સેક્રેટરીએ હાથ ખંખેર્યા
તમામ સંગઠનો મંડળો એકસાથે જોડાશે અને સરકાર સામે તેમણે માગણી અંગે એક સાથે રણશિંગુ ફૂંક્યું છે. જનરલ સેક્રેટરી વિજયસિંહ ચાવડાના મત પ્રમાણે, માસ સીએલ દરમિયાન ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં કોઈપણ ટેક્નિકલ ખાવાની સર્જાશે અને અંધકાર પટ છવાશે તો અમારા વીજ કર્મીઓની કોઈ જવાબદારી રહેશે નહીં, પરંતુ આ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. આમ, આ વખતે તમામ વીજ કંપનીઓ એકસાથે જોડાઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વિધામાં મુકાઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે. ધંધુકા ખાતેથી ડેપ્યુટી એન્જિનિયર સતીષકુમાર પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારે વીજ કર્મીઓની પડતર માગણીઓ અંગે હકારાત્મક વલણ દાખવવું જોઈએ.