દસ ગણા ભાવ આપવા છતા નથી મળી રહી વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ - મહારાષ્ટ્ર
19મી નવેમ્બર એટલે ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચક દિવસ. આ દિવસે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. તેમાંય ફાઈનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે છે. તેથી આ મેચ સ્ટેડિયમમાં લાઈવ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ નથી મળી રહી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Nov 17, 2023, 4:23 PM IST
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોવી એ દરેક ક્રિકેટ પ્રેમીનું સ્વપ્ન છે. જો કે 1 લાખ 30 હજારની કેપેસિટી ધરાવતા સ્ટેડિયમના સ્થળેથી ક્રિકેટ પ્રેમીઓને નિરાશા હાથ લાગી છે. ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ મળી રહી નથી. ઓનલાઈન કે ઓફલાઈન એકેય રીતે ક્રિકેટ પ્રેમીઓને ટિકિટ મળી રહી નથી. સ્ટેડિયમ સુધી માત્ર અમદાવાદ જ નહિ ગોવા અને મહારાષ્ટ્ર જેવા બીજા રાજ્યોના ક્રિકેટ પ્રેમીઓ પણ લાંબા થયા છે. જો કે તેમને ધરમનો ધક્કો પડ્યો છે. દસ ગણા ભાવ આપવા છતા ક્રિકેટ ફેન્સને નિરાશા સાંપડી છે.
દસ ગણી કિંમત આપવા છતા ટિકિટ્સ અનઅવાઈલેબલઃ ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમની બહાર ફાઈનલ મેચની ટિકિટ માટે રીતસરના વલખા મારી રહ્યા છે. દસ ગણા ભાવ આપવા છતા ફાઈનલ મેચની ટિકિટ્સ અનઅવાઈલેબલ છે. ક્રિકેટ ફેન્સ નિરાશ થઈ રહ્યા છે. 2000ની ટિકિટના 20000 અને 4000ની ટિકિટના 40000 આપવા છતા ટિકિટ મળતી નથી. આ પરિસ્થિતિઓમાં કાળાબજારિયાઓ લાભ લઈ રહ્યા છે.
અમે રવિવારની મેચ માટે આજે ફ્લાઈટમાં ગોવાથી આવ્યા છીએ. અમે એરપોર્ટથી સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવ્યા પણ ટિકિટનો કંઈ મેળ પડ્યો નહીં. અમે હજૂ પણ પ્રયત્ન કરીએ છીએ જો ટિકિટ નહિ મળે તો અમે ઘરે ટીવીમાં મેચ જોઈશું, પણ ફાઈનલ મેચ ભારત જીતે એવી પ્રાર્થના અમે કરીશું...અજય સતીશ(ક્રિકેટ ફેન, ગોવા)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ 30 હજાર પ્રેક્ષકો સાથે બેસીને લાઈવ મેચ જોવાનો આનંદ જ અનેરો છે. હું આ મેચ લાઈવ જોવા ટિકિટ ખરીદવા અહીં નાગપુરથી સમગ્ર પરિવાર સાથે આવ્યો છું. અમે 8 જણા ટિકિટ ખરીદવા આવ્યા છે પણ ટિકિટનો કંઈ મેળ પડતો નથી. અત્યારે 2000ની ટિકિટના 20000 અને 4000ની ટિકિટના 40000 બ્લેકમાં ભાવ થયો છે. ભારતે અત્યાર સુધી 10માંથી 10 મેચ જીતી છે અને 11મી ફાઈનલ પણ ભારત જ જીતશે તેવો અમને વિશ્વાસ છે...સાગર(ક્રિકેટ ફેન, નાગપુર)
અમે અમદાવાદ વર્લ્ડ કપની મેચ જોવા આવ્યા હતા પરંતુ અમને ટિકિટ મળી નહીં પરંતુ કોઈ વાંધો નહિ હવે ફરીથી ટ્રાય કરીશું. ભારત વર્લ્ડકપની ફાઈનલ મેચમાં જીતે તેવી પ્રાર્થના કરીશું. સરકારે પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા છે તો ઓફલાઈન ટિકિટની વ્યવસ્થા બાબતે ધ્યાન રાખવું જોઈએ. સ્ટેડિયમની કેપેસિટી 1.25 લાખ છે તો બ્લેક શા માટે થઈ રહ્યું છે ? અમદાવાદના લોકો પણ બ્લેક બાબતે ખૂબ પરેશાન છે. જો અમદાવાદીઓના આ હાલ હોય તો અમે તો બહારથી આવ્યા છીએ...(મહિલા ક્રિકેટ પ્રેમી, નાગપુર)
વર્લ્ડ કપ 2023 ફાઇનલ ની ટિકિટ એક મહિના પહેલા જ ખરીદી હતી. જ્યારે ઓનલાઈન ટિકિટમાં સ્લોટ ઓપન થયો ત્યારે અમે બે થી ત્રણ કલાક સુધી ઓનલાઈન મહેનત કરી હતી અને ત્યારબાદ ટિકિટ પ્રાપ્ત થઈ છે અને તેમાં પણ ફક્ત બે જ ટિકિટ મળી શકી છે. જ્યારે ફાઇનલ મેચમાં કોણ આવશે તે ત્યારે નક્કી હતું જ નહીં પરંતુ અમે ફાઈનલ મેચ સ્ટેડિયમમાં જોવાનું નક્કી કર્યુ હતું તેથી અમે એડવાન્સમાં જ ટિકિટ બૂક કરાવી દીધી હતી. હવે ભારત ફાઈનલમાં આવી ગયું છે તેથી અમારી મહેનત લેખે લાગી છે. અમારા પૈસા વસૂલ થઈ ગયા છે...અનિલ પટેલ(ક્રિકેટ પ્રેમી, અમદાવાદ)