અમદાવાદઃ આવતીકાલે અમદાવાદમાં ક્રિકેટનો મહાસંગ્રામ થવાનો છે. 19મી નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. દરેક ક્રિકેટ ફેન્સ આ ઐતિહાસિક મેચ લાઈવ જોવા અમદાવાદ આવી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ લાઈવ જોવી દરેક ક્રિકેટ ફેન્સનું સ્વપ્ન છે. ક્રિકેટ ફેન્સ આ દિવસને માણવા માટે લાખો રુપિયા સુધીનો ખર્ચ પણ કરી રહ્યા છે, કારણ કે અમદાવાદમાં રોકાવા માટે હોટલોએ ભાડા વધારી દીધા છે. કેટલીક હોટલોએ 2000માંથી વધારીને રુમ ભાડુ 50000 સુધી પણ વસુલ્યું છે.
વિદેશથી આવ્યા ક્રિકેટફેન્સઃ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ મેચ માટે પધારેલ વિદેશી ક્રિકેટ ફેન્સ માટે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે. ઢોલ અને ગરબાથી આ વિદેશી ક્રિકેટ ફેન્સનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમજ એરપોર્ટ પર વર્લ્ડ કપની રેપ્લિકા મુકવામાં આવી છે. વિદેશથી પધારેલા ક્રિકેટ ફેન્સ આ રેપ્લિકા સાથે ખૂબ જ ઉત્સાહથી ફોટો અને સેલ્ફી લઈ રહ્યા છે. આજે સવારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી 16 ક્રિકેટ ફેન્સ આવી પહોંચ્યા હતા. તેમણે ભારત જ મેચ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ફેન્સ આવતીકાલની મેચ માટે બહુ ઉત્સાહી છે.
અમે ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ આવ્યા છીએ. આ વર્લ્ડ કપમાં ભારતે દરેક લીગ મેચ જીતી છે અને ફાઈનલ પણ ભારત જીતશે. અમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે વાંચ્યું અને સાંભળ્યું છે. અમે પ્રથમ વખત આ સ્ટેડિયમમાં મેચ જોવાના છીએ. આ મેચ જોવા અમે બહુ ઉત્સાહી છીએ...(ક્રિકેટ ફેન, ફલોરિડા)
હું કેલિફોર્નિયાથી આ મેચ માટે ખાસ અમદાવાદ આવી છું. 19મી નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલ મેચમાં ભારત જ જીતશે. મારે વિરાટ કોહલીને વધુ એક સેન્ચ્યુરી માટે બેસ્ટ ઓફ લક વિશ કરવા છે...જ્યોતિ બખ્તા(ક્રિકેટ ફેન, કેલિફોર્નિયા)
અમે અત્યારે 18 વિદેશી ક્રિકેટ ફેન્સને હેન્ડલ કરી રહ્યા છીએ. સ્ટેડિયમમી તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ ખૂબ જ મહત્વની છે. અત્યારે અમદાવાદની તમામ હોટલો હાઉસ ફુલ છે. હોટલો 2000ના રુમનું ભાડુ 50000 જેટલું વસૂલ કરી રહ્યા છે. અમે ફાઈનલ ટિકિટ બૂક કરી ત્યારે જ હોટલના રુમનું બૂકિંગ કરી લીધું હતું. તેથી અમને તકલીફ ન પડી. આ મેચ માટે અમેરિકાથી આવેલા ક્રિકેટ ફેન્સે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે...પિયુષ પરીખ(ક્રિકેટ ફેન, અમેરિકા)