અમદાવાદ: રાજ્યમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. સમગ્ર ગુજરાતનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં આ વખતે બાળકીઓએ ખુબ સારી સફળતા મેળવી છે. પરિણામ જાહેર થતા જ એવા કેટલાક ઉદાહરણ સામે આવ્યા છે જે લોકો માટે પ્રેરણા રૂપ છે. જૂનાગઢની શ્રેયા અને રાજકોટની મહેક પ્રતિકૂળ સ્થિતિમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.
કેન્સર ગ્રસ્ત પિતાએ ઉધાર પૈસા લઇને પુત્રીને ભણાવી: જૂનાગઢની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી શ્રેયા ગેડીયાએ 99.63 પર્સન્ટાઈલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરિણામોમાં સફળતા મેળવ્યા બાદ શ્રેયાએ તેમનો શ્રેય શિક્ષકો માતા પિતા ભાઈ અને તેમની મહેનતથી વધારે કેન્સરગ્રસ્ત પિતાને આપ્યો છે. શ્રેયાના પિતા પાછલા 6 વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે. તેમ છતાં સંતાનો અભ્યાસથી વંચિત ન રહે તે માટે તેઓએ સતત ચિંતા કરી કેન્સર જેવી બીમારીમાં ખૂબ રૂપિયાની જરૂર પડે આવી પરિસ્થિતિમાં સંતાનો અભ્યાસથી વંચિત ન રહે તે માટે ઉછીના પૈસા કરીને પણ વગર ટ્યુશને શાળાની ફી ભરીને અભ્યાસ કરાવ્યો છે. આજે જાહેર થયેલા પરિણામોમાં પિતાનો પરિશ્રમ અને પુત્રીની મહેનત રંગ લાવતી જોવા મળી છે.
દીકરી મહેકે ખુશ્બુ ફેલાવી: રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી મહેક ગુપ્તા નામની વિદ્યાર્થીનીને ધોરણ 12માં 99.93 પીઆર આવ્યા છે. મહેકના પિતા પાણીપુરીની લારી ચલાવે છે. એવામાં પાણીપુરીની લારી ચલાવતા પિતાની પુત્રીને ધોરણ 12માં 99.93 પીઆર આવતા તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે મોદી સ્કૂલના શિક્ષકો પણ આ અંગે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. મહેકની માતા રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને જે પરિણામ આવ્યું છે. તેના કારણે અમને ખૂબ જ ખુશી મળી રહી છે. અમે હાલ જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે અમારો સમગ્ર પરિવાર ખુશ થયો છે. મારી દીકરીને ભવિષ્યમાં સીએ બનવાની ઈચ્છા છે. જેના માટે પણ હું તેને ખૂબ જ સપોર્ટ કરીશ.
100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પડાયેલી વિગતોની જો વાત કરવામાં આવે તો માર્ચ 2022 માં ગુજરાતમાં કુલ 164 જેટલી શાળાઓનો સો ટકા જેટલું પરિણામ સામે આવ્યું હતું ત્યારે માર્ચ 2023 માં ફક્ત 311 જ શાળાનું પરિણામ 100 ટકા પ્રાપ્ત થયું છે. એટલે કે 753 શાળાઓના પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે માર્ચ 2022 માં ફક્ત સમગ્ર ગુજરાતમાં એક જ એવી શાળા હતી કે જેનું 10% કરતાં ઓછું પરિણામ આવ્યું હતું.