અમદાવાદ : અત્યારના સમયમાં કોઈ વ્યક્તિને રોડ ઉપર પડેલા દસ રૂપિયા પણ મળે તો તે વ્યક્તિ તે રૂપિયાને લઈને પોતાના ખિસ્સામાં નાખી દેતો હોય છે. તેવામાં ઘણી વાર પ્રમાણિકતાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં એક ગરીબ પરિવારનું પૈસા ભરેલું પાકીટ પડી જતા તે પાકીટ બેંકમાં નોકરી કરતા મહિલા કર્મચારીને મળતા તેમણે પ્રમાણિકતા રાખીને તે પાકીટ પોલીસની હાજરીમાં પરિવારને પરત કરી ઇમાનદારીની મિશાલ પેશ કરી હતી.
પર્સમાં હતાં રોકડ રકમ અને દાગીના : અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલમાં આવેલી SBI બેંકમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીની પ્રમાણિકતા સામે આવી છે.અમદાવાદ પૂર્વમાં આવેલા હાટકેશ્વરના જોગેશ્વરી માર્ગ પરના વઢિયારી નગરમા રહેતો અને શાકભાજી વેચતા શ્રમજીવી પરિવારની મહિલા સંગીતા દીપકભાઈ વણકરનું ખોખરા વિસ્તારમાં પર્સ પડી ગયું હતું. જે પર્સમાં રોકડ રકમ અને દાગીના હતાં. શ્રમજીવી પરિવારને ખોવાયેલું પર્સ મળવાની કોઈ જ આશા ન હતી, પરંતુ તેવામાં એક મહિલાને તે પર્સ મળતા તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો PSIએ મૂળ માલિકને લાખો રૂપિયા પરત આપી ઇમાનદારીની મિશાલ કાયમ કરી
બેંક કર્મચારી મહિલાને મળ્યું પર્સ : SBI બેંકની ખોખરા બ્રાન્ચમાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વષીઁય ધનલક્ષ્મી સિંગલ નામના મહિલા કર્મચારી સોમવારે સાંજે નોકરી પુરી થતા ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ રીક્ષામાથી એક મહિલાનું પર્સ નીચે પડી ગયું હતું તેના પર તેઓની નજર પડી હતી. તેઓએ પર્સ લઈને તપાસ કરતા તેમાં 11 હજાર રોકડ અને ઘરેણા હતા.
પાંચ કલાકની શોધખોળ બાદ મળ્યો પતો : જે અંગે તેઓએ ઘરેણાની ઓળખ માટે આસપાસના જવેલર્સમા સરનામું શોધવા પ્રયાસ કરતા હતાં અને તે સમયે નજીકમાં ખોખરા પોલીસની શી ટીમની ગાડી ત્યાં ઉભી હતી જેથી તેમણે પોલીસને આ પર્સ મળી આવ્યું હોવાની જાણ કરી હતી. જે બાદ આશરે પાંચ કલાકની શોધખોળ બાદ પર્સના માલિક અંગે જાણ થઈ હતી. અંતે ખોખરા પોલીસ ઈન્સપેકટરની હાજરીમાં આ બેંકના મહિલા કર્મચારીએ મૂળ માલિકને પર્સ પરત કર્યું હતું.
આ પણ વાંચો સુરતમાં ઇમાનદારીની જીવિત મિશાલઃ 9 લાખ રૂપિયાના હીરા રત્નકાલાકારે માલિકને પરત આપ્યા
મૂળ માલિકને પાકીટ પરત કરવામાં આવ્યું : આ અંગે દાગીના અને પર્સના મૂળ માલિક દીપકભાઈ વણકરે જણાવ્યું હતું કે પાકીટ ખોવાયું પછી મળવાની આશા ન હતી. પરંતુ પરત મળ્યું છે જેના કારણે ઘણી રાહત થઈ છે. આ અંગે અંગે પાકીટ પરત કરનાર બેન્ક કર્મચારીએ જણાવ્યું હતું કે રસ્તામાં રીક્ષામાંથી પાકીટ પડતાં જોયું અને જે બાદ પોલીસને જાણ કરી અને મૂળ માલિકને પાકીટ પરત કરવામાં આવ્યું છે તેની ખુશી છે.