અમદાવાદઃ વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. 31 માર્ચ સુધીમાં વિશ્વમાં 8 લાખથી વધુ કોરોનાના દર્દીઓ છે અને 38,000થી વધુ લોકોના મોત થયાં છે. તેમ જ ભારતમાં 1400થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, અને 41 મૃત્યુ થયા છે. આ સંજોગોમાં પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરી હતી, કે કોરોના સામે લડવા માટે આર્થિક સહાય આપો.
પીએમ મોદીની અપીલ પછી પીએમ કેરમાં કરોડો રૂપિયાના દાનની સરવાણી વહી છે. રીલાયન્સ, તાતા ગ્રુપ જેવા ઉદ્યોગ સાહસિકોએ કરોડો રૂપિયાની સહાય જાહેર કરી છે. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પીએમ કેરમાં રૂપિયા 25,000ની સહાય જાહેર કરી છે, અને કોરોના સામે લડવા માટે પીએમ મોદીને ટેકો પૂરો પાડ્યો છે અને આશીર્વાદ આપ્યા છે.પીએમ મોદીની અપીલને પગલે હીરાબાએ 22 માર્ચના રોજ જનતા કરફૂયૂના દિવસે સાંજે પાંચ વાગ્યે ઘરની બહાર ઓસરીમાં બેસીને થાળી વગાડી હતી, અને કોરોના સામે લડી રહેલા મેડીકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, નર્સ, ડોકટરો માટે થાળી વગાડીને તેમનું અભિવાદન કર્યું હતું.
આખો દેશ જ્યારે ઘટનાંદ, તાલીઓ પાડીને અને થાળી વગાડીને કોરોનાના યોદ્ધાઓ માટે અભિવાદન કર્યું હતું. ત્યારે હીરાબા પણ અભિવાદન કરવામાં જોડાયાં હતાં.