અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે સરફેસી એક્ટ-2020ના નિયમને લગતા કેસમાં મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સરફેસી એક્ટના નિયમ-9માં પણ મિલ્કતની હરાજીની તારીખથી 3 મહિના સુધીમાં જ બેન્કે ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમનો સ્વીકાર કરવો તેવી કોઈ જોગવાઈ નથી.
હાઈકોર્ટે બેંકને હરાજીમાં મૂકાયેલી મિલ્કતના વેચાણની પુષ્ટિ કરાયાની તારીખના ત્રણ મહિના સુધીનાં સમયગાળામાં ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમનો સ્વીકાર કરવાનો આદેશ કર્યો છે. અરજદાર દ્વારા બાકી નીકળતા રકમની સમય મર્યાદા વધારવાની અરજીના જવાબમાં બેંક ઓફ બરોડા તરફે રજૂ કરાયેલા જવાબમાં બેન્કે મિલ્કતની હરાજીની તારીખથી 90 દિવસનો સમયગાળો વધારી આપ્યો હતો. જો કે, હાઈકોર્ટે તેમાં પણ ભૂલ હોવાનું જણાવતા અવલોકન કર્યું હતું કે, બેન્કે વેચાણ પુષ્ટિ કરાયાની તારીખથી 90 દિવસ નહિ પરતું 3 મહિનાનો સમય ફાળવવો જોઈએ.
હાઈકોર્ટે ચૂકાદામાં ટાંક્યુ હતું કે, સિક્યુરિટી ઈન્ટરેસ્ટ રૂલ્સ-2002ના નિયમ-9(4) મૂજબ સ્થવાર મિલ્કતના કેસમાં પહેલાં પાર્ટમાં વેચાણની પુષ્ટિ કરાયાની તારીખના 15 દિવસ સુધીમાં બેન્ક ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમનો સ્વીકાર કરી શકે છે, જ્યારે નિયમનો બીજો પાર્ટ એવો છે કે, જો ખરીદનાર અને લેણદાર વચ્ચે બાકી નીકળતી રકમ અંગે લેખિતમાં સહમતિ થઈ હોય ત્યારે બેંક ખરીદનારને ત્રણ મહિના સુધીનો સમય વધારી આપી શકી છે.
નિયમના બીજા ભાગમાં કે જેમાં લેખિત સહમતી બાદ 3 મહિના સુધીનો સમય વધારી આપવાની જોગવાઈ છે, તેમાં હરાજીની તારીખથી ત્રણ મહિના કે હરાજી કરાયેલી મિલ્કતના વેંચાણ પુષ્ટિની તારીખથી ત્રણ મહિના સુધી બેંક ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમ સ્વીકારી શકે તેવી કોઈ સ્પષ્ટતા નથી. હાઈકોર્ટે નિયમોની જોગવાઈમાં મિલ્કતની હરાજીની તારીખથી 3 મહિના સુધીનો કોઈ ઉલ્લેખ ન હોવાથી વેચાણ પુષ્ટિ કરાયાની તારીખના 3 મહિના સુધીમાં બેંકને ખરીદનાર પાસેથી પૈસા સ્વીકારવાનો આદેશ કર્યો છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે દમણ ખાતે આવેલા સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ કોપરેટીવ સોસાયટીમાં આવેલા પ્લોટ નં 35નું 20મી નવેમ્બર 2019ના રોજ બેંક ઓફ બરોડા દ્વારા હરાજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર અન્નપુર્ણા ડીલર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સૌથી વધું 1.42 કરોડની બોલી લગાવતા તેમને પ્લોટ ફાળવવામાં આવ્યો હતો અને આ વેચાણની પુષ્ટિ 26મી નવેમ્બર 2019ના રોજ કરવામાં આવી હતી.
વેંચાણની પુષ્ટિ કરાયા બાદ અરજદાર દ્વારા બેંકને 1.01 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા અને બાકી નીકળતા 39 લાખ રૂપિયા માટે લેખિત સમહતી બાદ બેંકને ચુકવણી માટે 3 મહિના સુધીનો સમયગાલો વધારી આપવા માટે અરજી કરી હતી જેનો સ્વીકાર કરતા બેંકે મિલ્કતની હરાજીની તારીખથી 90 દિવસ સુધી એટલે કે 17મી ફેબ્રુઆરી 2020 સુધીનો સમયગાળો વધારી આપ્યો હતો.
જ્યારે 20મી ફેબ્રુઆરી બાદ બેંકને બાકી નીકળતા 39 લાખની ચુકવવાની તૈયારી બતાવી હોવા છતાં બેંકે પૈસાનો સ્વીકાર ન કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. હાઈકોર્ટે 25મી ફેબ્રુઆરીના રોજ ચુકાદામાં વેચાણ પુષ્ટિની તારીખ 26મી ફેબ્રુઆરીમાં 24 કલાક બાકી હોવાથી બેંકને અરજદારના ચેકનો સ્વીકાર કરવાનો આદેશ કર્યો હતો અને જો ચેક ક્લિયર કરવામાં સમસ્યા થાય તો બેંકને તાત્કાલીક RTGS કે NEFT કરવાનો આદેશ કર્યો હતો.
અમદાવાદથી આકિબ છીપાનો વિશેષ અહેવાલ...