અમદાવાદ : તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હાલમાં ગુજરાત હાઇકોર્ટે આ ચૂંટણી ઉપર વચગાળાનો સ્ટે આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ નેતા વશરામ સાગઠીયાએ એડવોકેટ પંકજ ચાંપાનેરી દ્વારા ચૂંટણી પર સ્ટે મેળવવા માટે અરજી દાખલ કરી હતી.
શું હતો મામલો ? : આ સમગ્ર કેસની વિગત મુજબ વશરામ સાગઠીયા વર્ષ 2021 માં રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વશરામ સાગઠીયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. વશરામ સાગઠીયાએ પક્ષાંતર કરતા કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષાંતર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ વિભાગના સચિવ દ્વારા તેઓને સભ્યપદથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જોકે, મ્યુનિસિપલ વિભાગના આ નિર્ણય સામે વશરામ સાગઠીયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
વશરામ સાગઠીયાની અરજી : તાજેતરમાં જ ખાલી પડેલ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આથી વશરામ સાગઠીયાએ ફરી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. વશરામ સાગઠીયાએ રજૂઆત કરી હતી કે, જ્યાં સુધી તેમને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીનો હાઇકોર્ટ ચુકાદો ના આપે ત્યાં સુધી આ ચૂંટણી પર સ્ટે રાખવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે તેમની આ અરજીનો સ્વીકાર કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 ની પેટા ચૂંટણીને સરકારના આદેશથી ચૂંટણી પંચે જાહેર કરી હતી. જેની સામે મેં હાઇકોર્ટમાં સ્ટે માટેની માંગણી કરી હતી. જેમાં આજે હાઇકોર્ટે ચૂંટણી પર સ્ટેનો આદેશ આપ્યો છે. આમ હાઇકોર્ટના આ આદેશ સરકારને તેમજ ચૂંટણી પંચને તમાચો માર્યો છે.-- વશરામ સાગઠીયા (કોંગ્રેસ નેતા)
હાઈકોર્ટનો આદેશ : જસ્ટિસ સંગીતા વિશેનની ખંડપીઠે વશરામ સાગઠીયાની અરજીને માન્ય રાખી હતી. આગામી 6 ઓગસ્ટના રોજ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. 15 ની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. જેના પર હાલ પૂરતો સ્ટે આપી દીધો છે.
ગેરલાયક કોર્પોરેટર : કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ આમ આદમી પાર્ટીમાં ગયા બાદ આ મામલે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓના વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આ બન્ને કોર્પોરેટરને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે રાજકોટ મનપાના વોર્ડ નંબર 15 ની ચાર બેઠકોમાંથી બે બેઠકો ખાલી થઈ હતી. જેને લઇને આ બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે.