હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ધણીવાર એક્ઝિબિશન કે ચેરિટી મેચનું આયોજન કરવામાં આવે છે. પરંતુ, તે કોઈપણ પ્રકારની ટ્રેનિંગ આપતુ નથી. એક્ઝિબિશન મેચ સિવાય એસોસિયેશન બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ કરતુ નથી. આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 1984માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનની પ્રવૃત્તિઓના આધારે તેને સેક્શન 12A હેઠળ આવકવેરામાં છૂટ આપવામાં આવી હતી અને અચાનક એસેસિંગ અધિકારીના રિપોર્ટ બાદ આવકવેરા વિભાગના નિર્દેશક GCAને મળેલી સેક્શન 12A હેઠળની મંજૂરી રદ કરી શકે નહિ.
આ મુદ્દે આવકવેરા વિભાગના વકીલ એમ.આર. ભટ્ટે દલીલ કરી હતી કે, આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની section 12A હેઠળ આપવામાં આવેલી મંજૂરીને રદ કરવાનો નિર્ણય યોગ્ય છે. GCAને આઈસીસીમાંથી, ટિકિટોના વેચાણ અને આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવા બદલ આવક મળે છે. જેથી સેક્શન 2(15) હેઠળ નોંધણી રદ કરવાનો આદેશ બરાબર છે.
આ મુદ્દે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વકીલ જે.પી. શાહે રજુઆત કરી હતી કે, ITATનો આવકવેરા વિભાગના આદેશને રદ કરવાનો નિર્ણય યોગ્ય છે. GCAની નોંધણી કરવામાં આવી ત્યારબાદથી આજ દિવસ સુધી તેના હેતુમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને થતી તમામ પ્રકારની આવકનો ઉપયોગ સભ્યોના અંગત હેતુ માટે નહિ પરંતુ ક્રિકેટ અને તેની સાથે સંકળાયેલી વ્યવસ્થાના પ્રોત્સાહન માટે કરવામાં આવે છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, એસેસિંગ ઓફિસરના રિપોર્ટ બાદ આવકવેરા વિભાગના નિર્દેશકે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને 1984માં સેક્શન 12A હેઠળ આવકવેરામાં આપવામાં આવેલી કેટલીક છૂટની મંજૂરી અચાનક જ રદ કરી દીધી હતી. આવકવેરા વિભાગના આદેશ સામે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને 2005માં ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં (ITAT) અરજી દાખલ કરી હતી. વર્ષ 2012માં ITATએ GCAના પક્ષમાં ચુકાદો આપતા આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી દાખલ કરવામાં આવી હતી.