અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરિમા સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં સફાઈકર્મીના મોત મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં થતા ગટરના સફાઈ કામદારોના મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને આ કાર્ય દરમિયાન સફાઈકર્મીના મૃત્યુ બાદ વળતર ચૂકવવા જેવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન ગટરની શારીરિક રીતે સફાઈ કરતા ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામેલ કામદારોની યાદી હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ મૃતક કામદારોના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી હતું.
19 ગટર સફાઈ કામદારોના મૃત્યુ બાદ તેમને સરકાર તરફથી વળતર ચૂકવવાનું બાકી છે. હજી સુધી 19 પરિવાર વળતરની આશા રાખીને રહ્યા છે. હાઇકોર્ટના આદેશ છતાં પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી. હજુ સુધી ગુજરાતની મહાનગરપાલિકામાં ઇમર્જન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટની પણ સ્થાપના થઈ નથી. જેમાં ગટર સફાઈ કામદારો સાથે જ્યારે કામ ઉપર કોઈ દુર્ઘટના બને તો ટ્રેઇની વ્યક્તિ તે સ્થળે તેને સારવાર આપી શકે.-- સુબ્રમણ્યમ ઐયર (અરજદારના વકીલ)
હાઈકોર્ટનો આદેશ : આજની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે, ગટર સફાઈ માટે હવે મશીન વપરાય છે કે કેમ ? જેના જવાબમાં અરજદારે કહ્યું હતું કે, મોટા શહેરોમાં મશીન વપરાય છે. જ્યારે ગામડામાં વપરાતા નથી. જોકે કોર્ટના હુકમ બાદ છેલ્લા એક મહિનામાં એક પણ ગટર સફાઈ કામદારનું મોત થયું નથી. આ મુદ્દે કોર્ટે આગળની મુદત પહેલા બાકીના મૃતક ગટર સફાઈ કામદારોના પરિવારોને વળતર ચૂકવી દેવા સરકારને જણાવ્યું છે.
વળતર ચૂકવણીમાં બેદરકારી ? અત્રે નોંધનીય છે કે, આ કેસમાં ગુજરાત હાઇકોર્ટના 18 એપ્રિલના હુકમ સંદર્ભે ગુજરાત સરકારમાં સફાઈ કામદાર વિકાસ નિગમના ઇન્ચાર્જ ડિરેક્ટર નૈના શ્રીમાળીએ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં તેમના દ્વારા જણાવાયું હતું કે, 30 એપ્રિલે તેમના દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં 26 ભોગ બનનાર કામદારોના પરિવારમાંથી 11 પરિવારને વળતર ચૂકવાયું છે. પરંતુ હકીકતમાં 06 પરિવારને જ વળતર ચૂકવાયું છે. આ ભૂલ ટાઈપીંગ એરરના કારણે થઈ હતી. ઉપરાંત અગાઉની એફિડેવિટમાં ભોગ બનનાર 11 માંથી 6 પરિવારને વળતર ચૂકવાયું હોવાનું જણાવાયું છે. જેની પણ ચકાસણી જરૂરી છે એવું પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ગટરની સફાઈ કરતા કુલ 158 સફાઈકર્મીના મૃત્યુ થયા છે.