આ સમગ્ર મામલે અરજદાર તરફી વકીલ ક્રિષ્ના મિશ્રાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, યુવક અને યુવતીએ સંમતિથી રજીસ્ટર્ડ પ્રેમ લગ્ન કર્યા હતા. છતાં પણ યુવતીના પરીવાર તરફથી યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી તો છુટાછેડા લેવા માટે પણ યુવક પર ભારે દબાણ કરવામાં આવતું હતું. જેને લઈને આ યુગલે હાઈકોર્ટમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કર હતી. જેના માટે 29મી મેના રોજ અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જો કે 28મી મેના રોજ રાત્રે 11.30 વાગ્યે અડાલજ પાસેથી 20 જેટલા લોકોએ ફરવા ગયેલી યુવતીનું અપહરણ કરી લીધું હતું.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, પાડોશમાં રહેતા યુવક-યુવતી વચ્ચે પ્રેમ થઈ જતાં આંતર-જાતીય લગ્ન કર્યા હતા. જે બાદ આ યુગલ અલગ નરોડા વિસ્તારમાં રહેતા હતા ત્યારે દંપતિ 28મી મેના રોજ રાત્રે 11.30 વાગ્યેની આસપાસ અડાલજ વિસ્તાર પાસે ફરવા ગયા હતા. જ્યાં 20 જેટલા લોકો યુવતીને કારમાં ઉપાડી લઇ અપહરણ કહ્યું હતું.
જે બાદ યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરીયાદ નોંધાવી હતી. આ મુદ્દે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતી અરજી ઉપર પણ 29મી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે યુવતીનું અપહરણ થઈ જતાં હાઈકોર્ટે હેબિયસ કોર્પસ રિટ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જેમાં કોર્ટે જવાબદાર લોકો સામે નોટિસ કાઢી વધુ સુનાવણી 19મી જુનના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો.