અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોના હિત માટે આંતર જિલ્લા બદલી કેમ્પ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે અમુક શિક્ષકો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ગુજરાત સરકારના આ નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદાર શિક્ષકો દ્વારા આ અરજી ઉપર તાત્કાલિક સુનાવણીની પરવાનગી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ માંગને ફગાવી દીધી હતી.
અરજદારની શી હતી રજૂઆત : અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ આંતર જિલ્લા બદલી કેમ્પના કારણે અમને તકલીફો પડી રહી છે. આ બદલી કેમ્પમાં એવા ઘણા નિયમો છે જેના કારણે અમને નુકસાન થઈ રહ્યું છે. અરજીમાં ઘણા શિક્ષકોની સિનિયારીટી ઉપર અસર પડશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ પર વ્યવસ્થિત પગલા લેવામાં આવે તેમજ આંતર જિલ્લા બદલી કેમ્પ ઉપર મનાઈ હુકમ ફરમાવવામાં આવે તેવી રજૂઆત થઇ હતી.
સરકારે કરી આ દલીલો : રાજ્ય સરકાર દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલીક અરજીઓના લીધે લાંબા સમય સુધી બદલીઓના કેમ્પ બંધ રહેતા હોવાની સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં શિક્ષણ કાર્યને અસર પડી રહી છે. એવી દલીલ પણ થઇ કે શિક્ષકોની આંતર જિલ્લા ટ્રાન્સફર અંગેના કેમ્પને પડકારતી અરજી બે ત્રણ અરજદાર શિક્ષકોના કારણે આખે આખી પ્રક્રિયા ઉપર રોક લગાવી શકાય નહીં.
વધુ સુનાવણી વેકેશન બાદ : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે હાલ આ અરજી પર તાત્કાલિક સુનાવણીની પરવાનગીની અરજી ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે મનાઈ હુકમની માંગને પણ ફગાવી દીધી છે. આ મામલે હવે વધુ સુનાવણી વેકેશન બાદ હાથ ધરવામાં આવશે.
શું છે આંતર જિલ્લા બદલી કેમ્પ : પ્રાથમિક શાળાના ઘણા શિક્ષકો છેલ્લા ઘણાં વર્ષોથી ગામડાંઓમાં ફરજ બજાવી રહ્યા છે. જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આનાથી તેમના અંગત જીવનમાં નોંધપાત્ર પડકારો ઉભા થયા છે. જેના પરિણામે વિવિધ મુશ્કેલીઓ આવી રહી છે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને શિક્ષક સંઘ તરફથી સરકાર પાસે રજૂઆત કરવામાં આવી હતી. અનેક પ્રયત્નો પછી સરકારે આંતરિક જિલ્લl બદલી કેમ્પ જાહેર કર્યો હતો. આ કેમ્પના કારણે શિક્ષક દંપતિના કેસમાં પત્ની કે પતિ હવે સરકારના કોઈપણ વિભાગમાં ત્રણ વર્ષની નોકરી ધરાવતા હશે તો બદલી માટે માન્ય ગણાશે. આ ઉપરાંત ધોરણ એકથી પાંચના શિક્ષકોને અને ધોરણ છથી આઠના નોકરી માટેનો વિકલ્પ અપાય કે શિક્ષક મેળવે ત્યારે સિનિયર શિક્ષક તરીકે જોડાયા ત્યારથી મૂળ નોકરીથી ગણાશે.