અમદાવાદઃ ઈન્સ્ટિટ્યૂય ઓફ પ્લઝ્મા રિસર્ચના વરિષ્ઠ વૈજ્ઞાનિક સામે અરજદાર શુભ્રતા પ્રધાનના વકીલ ઉત્કર્ષ દવે અને રાહુલ શર્મા તરફે તપાસ અધિકારી પાસે ચાલતી કાર્યવાહીમાં મુદ્દત આપવામાં આવે તેવી માગ સાથે દાખલ કરાયેલી અરજીને હાઈકોર્ટે માન્ય રાખીને તપાસ અધિકારીને કાર્યવાહીમાં અરજદારને મુદ્દત આપવાનો આદેશ કર્યો છે.
હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં રજૂઆત કરી હતી કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની (CVC) ભલામણ વગર જ સત્તાની બહાર જઈ IPR ગાંધીનગરની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેને ગેરકાયદેસર રીતે તેમની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અરજદાર તરફે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોતે ગાંધીનગર IPR - ડિરેક્ટર પદ માટેની સમક્ષ લાયકાત ધરાવતા હોવાથી IPRના (ગાંધીનગર) વર્તમાન ડિરેક્ટર શશાંક ચતુર્વેદીએ બદ ઇરાદે અને ખોટી રીતે તેમને સસ્પેન્ડ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગાંધીનગર IPRના વર્તમાન ડિરેકટર શશાંક ચતુર્વેદીએ સતાની બહાર જઈ 28મી ઓગસ્ટ 2018ના રોજ અરજદાર - શુભ્રતા પ્રધાનને વરિષ્ઠ વૈજ્ઞાનિકના પદથી સસ્પેન્ડ કર્યા હતા. હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વરિષ્ઠ વૈજ્ઞાનિકને સસ્પેન્ડ કરવાની સત્તા ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન પાસે છે, જ્યારે આ કેસમાં વિભાગના ડિરેકટર દ્વારા તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વરિષ્ઠ વૈજ્ઞાનિક શુભ્રતા પ્રધાનના સસ્પેનશન ઓર્ડરને અન્ય એક રીટ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચાર્જશીટને પડકારતી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમને ફરજ પર પાછા લેવામાં આવે અને નોકરીને લગતા તમામ આર્થિક લાભ તેમને આપવામાં આવે. અરજદારના સસ્પેન્શન ઓર્ડરને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા કોઈ સમર્થન મળ્યું નથી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અરજદાર વરિષ્ઠ વૈજ્ઞાનિક શુભ્રતા પ્રધાન વર્ષ 1995માં વૈજ્ઞાનિક તરીકે IPR - ગાંધીનગરમાં જોડાયા હતા. ત્યારબાદ સારી કામગીરી બદલ તેમનું પ્રમોશન થયું હતું. વર્ષ 2015માં તેઓ વિભાગના સૌથી સિનિયર વૈજ્ઞાનિક તરીકે નિમણૂક પામ્યા હતા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ સાથે પણ કામ કર્યું છે. અરજદાર IPR ગાંધીનગરના ડિરેક્ટર પદ માટે ફીટ હોવાથી બદ ઇરાદે તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.