આ કેસની વિગત એવી છે કે, વિસનગરના એક પરિવારને ઉંચુ વ્યાજ આપવાનું કહી રૂપિયા ૧.૧૫ કરોડની ડિપોઝીટની છેતરપિંડીના આરોપીઓ જગદીશ શિવકુમાર ભટ્ટ અને પારૂલ જગદીશ ભટ્ટના આગોતરા જામીન જી.પી.આઇ.ડી.(ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ) કોર્ટે નામંજૂર કર્યા છે. આરોપી પતિ-પત્ની વિસનગરમાં પોસ્ટ એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે કામ કરતા હતા. ફરિયાદી પરિવાર સાથે ઘરોબો હોવાથી તેમણે કહ્યું હતું કે, તેઓ જયપુરની યુનાઇટેડ હાઉસિંગ લિમિટેડ, ચેન્નઇની અશોક ટાઉનશીપ કોર્પોરેશન અને ચેન્નઇની કેનરી હાઉસિંગ કોર્પોરેશનના પણ એજન્ટ છે અને આ કંપનીઓ ડિપોઝીટ પર ઉંચુ વ્યાજ આપે છે. તેથી ફરિયાદીએ ત્રણેય કંપનીમાં કુલ રૂપિયા ૧.૧૫ કરોડની ડિપોઝીટ જમા કરાવી હતી.
નવેમ્બર-૨૦૧૭માં ફરિયાદીને જાણ થઇ હતી કે, આવી કોઇ કંપની અસ્તિત્વમાં નથી અને આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે તેમની સાથે છેતરપિંડી કરી છે. જેની ફરિયાદ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આરોપી દંપતીએ ધરપકડથી બચવા આગોતરા જામીન માટે જી.પી.આઇ.ડી. કોર્ટમાં અરજી કરી હતી. જે નામંજૂર થતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આરોપી પતિએ આગોતરા જામીન અરજી પરત ખેંચી છે અને પત્નીને રૂપિયા ૨૫ હજારના બોન્ડ પર આગોતરા જામીન આપવામાં આવ્યા છે.